સચિનના શબ્દોથી હરભજન નિર્દોષ જાહેર
હવે હું બધુ ભુલીને ત્રીકોણિય જંગ પર ધ્યાન કેન્દ્રીત કરીશ-હરભજન
આઈસીસી દ્વારા નિમણુંક કરાયેલા જસ્ટીસ જોન બેન્સને જણાવ્યું હતું કે, સચિન તેંડુલકરના શબ્દોના કારણે જ હરભજન સિંહની તરફેણમાં ચુકાદો આવ્યો છે. હરભજન વંશીય ટીપ્પણીના કેસનો ચુકાદો વાંચી સંભળાવતાં કહ્યું હતું કે સચિન એ સૌથી નીકટનો સાક્ષી હતો અને આ કેસમાં તેના શબ્દોની સૌથી વધુ કિંમત છે. ક્રિકેટના મેદાન પર તો સચિનનું બેટ બોલે જ છે અને કોર્ટમાં શબ્દોનું બેટ બોલે છે અને તેનું માન પણ છે. જેના કારણે જ હરભજન સિંહ વંશીય ટીપ્પણીના આરોપમાંથી બચ્યો છે. આ અંગે સચિને કહ્યું હતું કે, હરભજને માકી કહ્યું હતું પરંતુ સાયમન્ડે તેને ભુલથી મન્કી સમજ્યું હતું. બેન્સને સચિનની આ વાત સ્વીકારી હતી. તેડુલકરે એમ પણ જણાવ્યું હતું કે સીડની ટેસ્ટ ખાતે બંન્ને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. મંગળવારે હરભજન સિંહ પરના વંશીય ટીપ્પણીના આરોપ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. જો કે અપશબ્દો કહેવા બદલ સ્પીનરને તેની મેચ ફીના પચાસ ટકાનો દંડ જરુર કરવામાં આવ્યો છે. આ અપરાધ હેઠળ વધુમાં વધુ દંડ એક ટેસ્ટ અને બે વન ડેનો પ્રતિબંઘ છે. જો કે સિંહના અત્યાર સુધીના વર્તાવને ધ્યાનમાં રાખીને તે મહત્તમ દંડથી બચ્યો હતો. સીડની ટેસ્ટ દરમિયાન ઓસી ખેલાડી એન્ડ્રયુ સાઈમન્ડસ પર વંશીય ટિપ્પણી કરવાનો ખોટો આરોપ સહન કરી ચૂકેલ હરભજન હવે બિલકુલ તનાવમુક્ત બની ગયો છે કારણે તેની સામેનો આરોપ અપીલ કમિશ્નરે ફગાવી દીધો અને હરભજનને વંશીય ટિપ્પણીના આરોપમાંથી મુક્ત કરી દીધો. જો કે તેના પર ખરાબ ભાષા પ્રયોગનો આરોપ લાગવાથી તેની 50 ટકા મેચફી તો કપાઈ જ જવાની. પરંતુ આમ છતાં વંશિય ટીપ્પણીના ગંભીર આરોપમાંથી મુક્ત થવાના કારણે હરભજન હવે હાશકારો અનુભવે છે.
ભજ્જીની ટીવી ચેનલમાં મુલાકાત -
હવે આ બધુ ભુલી જઈને ભજ્જી ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને ભારત વચ્ચે રમાનારા ત્રિકોણીયા જંગ માટે ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો છે. એક ચેનલને આપેલ મુલાકાતમાં ભજ્જીએ કહ્યું કે બધુ જે રીતે પાર પડયું તેનાથી મને ખુબ જ ખુશી થઈ છે. હવે અમારે આગળ વધીને ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. નોંધનીય છે કે ગઈ કાલે થયેલી ફેર સુનવણીમાં આઈસીસી ધ્વારા નિયુક્ત અપીલ કમિશ્નર જસ્ટીસ જહોન હેન્સને હરભજન સામે લાગેલ આરોપમાં કોઈ સબૂત હાથ ન લાગતા હરભજનને વંશીય ટિપ્પણીના આરોપમાંથી મુક્ત કર્યો હતો અને તેના પર લાગેલ 3 ટેસ્ટ મેચોનો પ્રતિબંધ પણ હટાવી લીધો હતો.
હેન્સને ભજ્જી પર લાગેલ આરોપની કલમ 3.3થી ઘટાડીને 2.8 કરી દીધી હતી જે હેઠળ ભજ્જીને 50 ટકા મેચફીનો દંડ કર્યો જે 3,000 ઓસ્ટ્રેલિયન ડોલર જેટલો થાય. હરભજને જણાવ્યું હતું કે જે રીતે આ વિવાદનો અંત આવ્યો છે તેનાથી હું ખુબ જ ખુશ છું. હવે હું
આગળ વધીને રમત પર ઘ્યાન કેન્દ્રીત કરવા માંગુ છું. આઈસીસી દ્વારા નિમાયેલા અપીલ કમિશ્નરે ગઈકાલે સચિન તેંડુલકરના શબ્દો પર ભરોસો કરીને હરભજન સિંહ પરનો વંશીય ટીપ્પણીનો આરોપ પાછો ખેંચી લીધો હતો.
વિવાદ કેવી રીતે વકર્યો -
સિડની ટેસ્ટ વખતે સાયમન્ડ્સ અને હરભજનસિંઘ વચ્ચે જે બોલાચાલી થઇ તેના સ્ટમ્પ માઇક્રોફોન ઉપરથી કેટલાક અંશ મળી આવ્યા છે. જેમાં હરભજને શરૂઆતમાં શું કહ્યું તે જાણી શકાયું નથી. અલબત્ત, બાકીની વાતચીત આ મુજબ થઇ હતી.
સાયમન્ડ્સ : તે મને મન્કી જ કહ્યો છે, પછી મેથ્યુ હેડન પણ વચ્ચે પડે છે.
મેથ્યુ હેડન : સાયમન્ડ્સને મન્કી કહી તે તેના ઉપર વંશીય ટિપ્પણી કરી છે. જે યોગ્ય નથી.
હરભજન : શરૂઆત સાયમન્ડ્સે કરી છે. મેં તેને માત્ર વળતો જવાબ આપ્યો છે. સચિન તેંડુલકર આ પછી પોન્ટિંગ સાથે ચર્ચા કરે છે અને વિવાદ વણસે નહીં તે માટે પ્રયાસ કરે છે. સચિનની સલાહથી હરભજન પોન્ટિંગની માફી માગે છે. જેનો જવાબમાં...
પોન્ટિંગ : તે આ ખોટું કર્યું છે અને હવે તારે તેની કિંમત ચૂકવવી પડશે. વાત અહીં સુધી પહોંચ્યા બાદ માંડ-માંડ બંને અમ્પાયર આવે છે. બંને અમ્પાયર દિવસની રમત બાદ આ અંગે ચર્ચા કરવા કહે છે અને રમત શરૂ કરવા આદેશ આપે છે.