આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક સામાન્ય સભા-૨૦૧૭નું આયોજન તા. ૨૨ થી ૨૫મી મે-૨૦૧૭ દરમિયાન મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. સામાન્ય સભાના પ્રથમ દિવસે આફ્રિકા-ઈન્ડિયા કો-ઓપરેશન-૨૦૧૭ અંતર્ગત ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ વિષયક પરિસંવાદ યોજાયો હતો. આ પરિસંવાદને કેન્દ્ર સરકારના નાણાં મંત્રી અરુણ જેટલીએ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, ઈન્ડિયા અને આફ્રિકા વચ્ચે એકબીજાને ઉપયોગી બનવાની ભાવના છે.
આ કંઈ પહેલો પ્રસંગ નથી કે જેમાં ઈન્ડિયા-આફ્રિકા પાર્ટનર દેશ હોય, આ અગાઉ ઘણા બધા પ્રસંગોમાં બંને દેશ પાર્ટનર રહી ચૂક્યા છે. એ.એફ.ડી.બી.ના મુખ્ય પાંચ આધારસ્તંભ અને ભારત સરકારની વેપાર નીતિ વચ્ચે ઘણી સામ્યતા છે. જેથી ભારત દેશ આફ્રિકામાં સૌથી વધુ મૂડીરોકાણ-વેપાર કરનારા દેશોમાં અગ્રેસર છે. જેટલીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર આફ્રિકા સાથેના સંબંધોને વધુ ઘનિષ્ઠ બનાવવા માંગી રહી છે. જેના ભાગરૂપે તાજેતરમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રપતિએ આફ્રિકાની મુલાકાત લીધી હતી. જેની ફલશ્રૃતિરૂપે ભારત-આફ્રિકા વચ્ચેના વ્યાપારી સંબંધો ઝડપથી વધી રહ્યા છે. ભારત એ એશિયાનું સૌથી ઝડપી વિકાસશીલ રાષ્ટ્ર છે. તેમ આફ્રિકા પણ વધુ વિકાસશીલ છે. ભારત અને આફ્રિકા બન્નેમાં યુવાનોનું સંખ્યા બળ વધુ છે. જેમને યોગ્ય દિશામાં લઇ જવા અને રોજગારીની તકો પૂરી પાડવી ખૂબ જ જરૂરી છે. આગામી દિવસોમાં વિવિધ વિષયો પર થનાર ચર્ચા બન્ને દેશોને ખૂબ ઉપયોગી બની રહેશે.