Tomato Price, - મોંઘવારીથી ત્રસ્ત લોકો માટે સારા સમાચાર છે. હવે ટામેટાંના ભાવ ઘટવા લાગ્યા છે. ટામેટાના પુરવઠામાં વધારો થવાને કારણે તેના ભાવમાં લગભગ એક ચતુર્થાંશ જેટલો ઘટાડો થયો છે.
ગ્રાહક બાબતોના મંત્રાલયે રવિવારે સત્તાવાર રીતે એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં એવું કહેવાય છે કે પુરવઠામાં સુધારાને કારણે ટામેટાંના છૂટક ભાવમાં પહેલાની જગ્યાએ હવે માસિક ધોરણે 22.4 ટકાનો ઘટાડો થયો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર 14 નવેમ્બરે ટામેટાની અખિલ ભારતીય સરેરાશ છૂટક કિંમત 52.35 રૂપિયા પ્રતિ કિલો હતી. જ્યારે 14 ઓક્ટોબરની વાત કરીએ તો સરેરાશ કિંમત 67.50 રૂપિયા પ્રતિ કિલો હતી. દિલ્હીની આઝાદપુર મંડીમાં ટામેટાંની આવકમાં જોરદાર વધારો થયો છે. જેના કારણે જથ્થાબંધ ભાવમાં 50 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.