મોટર વાહન ઉદ્યોગના દિગ્ગજ વિક્રમ કિર્લોસ્કર(Vikram Kirloskar)હવે આપણી વચ્ચે રહ્યા નથી. ટોયોટા કિર્લોસ્કર મોટર પ્રાઈવેટ લિમિટેડના વાઈસ ચેરમેન વિક્રમ કિર્લોસ્કરનું ગઈકાલે નિધન થયું હતું. તેઓ 64 વર્ષના હતા. તેમના પરિવારમાં તેમની પત્ની ગીતાંજલિ કિર્લોસ્કર અને પુત્રી માનસી કિર્લોસ્કર છે. ભારતમાં ટોયોટા કારને લોકપ્રિય બનાવવાનો શ્રેય તેમને જાય છે. પ્રારંભિક અહેવાલો મુજબ, વિક્રમ કિર્લોસ્કરને મૈસિવ હાર્ટ એટેક આવ્યો હતો.
ટોયોટા ઇન્ડિયાએ કરી પુષ્ટિ
ટોયોટા ઈન્ડિયાએ વિક્રમ કિર્લોસ્કરના મૃત્યુની પુષ્ટિ કરતું મીડિયા નિવેદન જાહેર કર્યું છે. નિવેદનમાં લખ્યું છે કે, “29મી નવેમ્બર 2022ના રોજ ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઈસ ચેરમેન વિક્રમ એસ કિર્લોસ્કરના અકાળે અવસાન વિશે જણાવતા અમે અત્યંત દુઃખી છીએ. દુખની આ ઘડીમાં અમે બધાને પ્રાર્થના કરીએ છીએ કે તેમના આત્માને શાંતિ મળે. અમે તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. તેમના અંતિમ સંસ્કાર 30 નવેમ્બર 2022 ના રોજ બપોરે 1 વાગ્યે હેબ્બલ સ્મશાન ગૃહ, બેંગલુરુ ખાતે કરવામાં આવશે."
પરિવારમાં કોણ છે
વિક્રમ કિર્લોસ્કરના પરિવારમાં તેમની પત્ની ગીતાંજલિ કિર્લોસ્કર અને પુત્રી માનસી કિર્લોસ્કર છે.
એમઆઈટીમાંથી કર્યો હતો અભ્યાસ
વિક્રમ કિર્લોસ્કર મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MIT)માંથી મિકેનિકલ એન્જિનિયરિંગ સ્નાતક હતા. વર્ષો સુધી તે CII, SIAM અને ARAI અનેક મહત્વના હોદ્દા પર કામ કર્યું. વિક્રમ કિર્લોસ્કર કિર્લોસ્કર ગ્રુપની ચોથી પેઢીના પ્રમુખ હતા. તેઓ કિર્લોસ્કર સિસ્ટમ્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા અને ટોયોટા કિર્લોસ્કર મોટર પ્રાઈવેટ લિમિટેડના વાઇસ ચેરમેન પણ હતા. વિક્રમ કિર્લોસ્કર છેલ્લે 25 નવેમ્બર, 2022ના રોજ મુંબઈમાં નવી પેઢીના ટોયોટા ઈનોવા હાઈક્રોસના અનાવરણ ઈવેન્ટમાં જાહેરમાં જોવા મળ્યા હતા.