Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

MSME ઊદ્યોગ માટે સોલાર પોલિસી જાહેર, દેશમાં સર્વપ્રથમ નીતિ જાહેર કરતું ગુજરાત

webdunia
ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2019 (15:32 IST)
ગુજરાત સરકારે ગ્રીન – કલીન એનર્જી ઉત્પાદનને વેગ આપવા સાથે MSME એકમો પણ સૌરઊર્જા ઉત્પાદનનો વ્યાપક લાભ મેળવી શકે તેવો ઊદ્યોગ – પર્યાવરણ મૈત્રીપૂર્ણ મહત્વલક્ષી નિર્ણય કર્યો છે. ગુજરાત દેશમાં સતત સૂર્યપ્રકાશ મેળવતું રાજ્ય છે ત્યારે સૌરઊર્જાના વિનિયોગ માટે રાજ્યમાં નાના, લઘુ અને મધ્યમ ઊદ્યોગોને પણ પ્રોત્સાહન મળે તે હેતુસર આ ક્રાંતિકારી અભિગમ અપનાવવામાં આવેલો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત ઊર્જામંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતીમાં કરી હતી.
 
પ૦ ટકા કેપેસિટીની મર્યાદા દૂર કરાઇ
રાજ્ય સરકારે સૌરઊર્જા ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા ર૦૧પમાં સોલાર પોલિસી જાહેર કરેલી છે તેનો વ્યાપ વધારીને તેમજ સમયાનુકુલ જરૂરી બદલાવ સાથે MSME એકમોને પણ સોલાર એનર્જી ઉત્પાદન માટે પ્રેરિત કરવા આ પોલિસી અંતર્ગત વિશેષ છૂટાછટ આપવાનું રાજ્ય સરકારે નિર્ધારીત કર્યુ છે. ઊર્જા મંત્રી સૌરભ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, સૌરઊર્જા ઉત્પાદનમાં MSME એકમોને વધુ રાહત આપતા રાજ્ય સરકારના આ નિર્ણય મુજબ અગાઉ સોલાર પ્રોજેકટના ઇન્સ્ટોલેશન માટે મંજૂર લોડના પ૦ ટકા કેપેસિટીની નિયત કરાયેલી મર્યાદા દૂર કરી દેવામાં આવી છે. 
 
હવે, MSME એકમો મંજૂર થયેલા લોડના ૧૦૦ ટકાથી વધારે ક્ષમતાની સોલાર એનર્જી સિસ્ટમ સ્થાપિત કરી શકશે. મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે MSME એકમો હાલ વીજ વપરાશ માટે વીજ કંપનીને રૂ. ૮ જેટલી રકમ આપે છે તે આવી સોલાર એનર્જીના ઉત્પાદનથી ઘટી જતાં અંદાજે ૩ રૂપિયા જેટલો MSME એકમોને આર્થિક ફાયદો પણ થવાનો છે.
 
થર્ડ પાર્ટી પાસેથી પણ સોલાર એનર્જી–સૂર્યઊર્જા ખરીદી શકશે
જે MSME એકમો પોતાની જગ્યા કે જમીન પર સોલાર એનર્જી ઉત્પાદન કરે તો અંદાજે ૩.૮૦ રૂપિયા અને ભાડાની અન્યત્ર જગ્યા પર કરે તો અંદાજે ર.૭પ જેટલો ફાયદો થશે. આ નિર્ણયની વિશેષતા એ છે કે MSME એકમ અન્ય પાર્ટી પાસેથી એટલે કે થર્ડ પાર્ટી પાસેથી પણ સોલાર એનર્જી – સૂર્યઊર્જા ખરીદ કરી શકશે. જો MSME એકમો પાસે સૌર વીજ ઉત્પાદન માટેની સહુલિયત ન હોય તો અન્યત્ર ભાડાની જગ્યામાં પણ તે સૌરઊર્જા ઉત્પાદન કરીને કલીન – ગ્રીન એનર્જી મેળવી શકશે.
 
જો MSME એકમો પોતાના સ્વવપરાશ બાદની વધારાની સૌરઊર્જા ગ્રીડમાં આપશે તો રાજ્ય સરકારની વીજ કંપની અંદાજે રૂ. ૧.૭પ પ્રતિ યુનિટના ભાવે ખરીદશે. સૌરઊર્જા ઉત્પાદન ક્ષેત્રે આ અભિનવ પહેલથી ગુજરાતમાં સૌરઊર્જા ઉત્પાદન કરતા MSME એકમો માટે  વિન-વિન સિચ્યુએશન ઊભી થવાની નવી દિશા ખૂલી છે. 
 
મંદી એક હવા છે: વિજય રૂપાણી
અત્રે એ પણ નિર્દેશ કરવો જરૂરી છે કે, સૌરઊર્જા ઉત્પાદન કરનારા આવા MSME એકમોએ ઇલેકટ્રીસિટી ડયુટી અને વ્હીલીંગ ચાર્જિસ નિયમ મુજબ ભરવાના રહેશે. તાજેતરમાં ગુજરાત સરકારે ‘‘સૂર્ય ગુજરાત (સોલાર રૂફટોપ) યોજના’’ જાહેર કરીને ઘરગથ્થું વપરાશકારો માટે સૌરઊર્જા ઉત્પાદનને વ્યાપકપણે પ્રેરિત કર્યું છે. ગુજરાત સોલાર રૂફ ટોપમાં આઠ લાખ ઘરોને આવરી લેવાનો લક્ષ્ય ર૦રર સુધીમાં પૂર્ણ કરવા સજ્જ છે ત્યારે હવે 33 લાખથી વધુ MSME એકમોને પણ ગ્રીન-કલીન સૌર ઊર્જા માટે પ્રેરિત કરીને સમગ્ર રાજ્યમાં સ્વચ્છ-પ્રદૂષણ રહિત ઊર્જા ઉત્પાદનથી ગુજરાત સૌર ઊર્જા ઉત્પાદનમાં પણ દેશમાં લીડ લેવા સજ્જ બન્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મંદી એક હવા છે અને એક પણ MSME એકમ બંધ થયું નથી.

Share this Story:

Follow Webdunia Hindi

આગળનો લેખ

વાહન વ્યવહાર વિભાગને ટેક્સ અને દંડ પેટે 5100 કરોડની વસૂલાતનો લક્ષ્યાંક