વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય લોકો માટે રાહતના સમાચાર છે. મહારાષ્ટ્ર સરકારે બજેટમાં CNG પર વેટ 13.5 ટકાથી ઘટાડીને 3 ટકા કર્યો છે, જેનાથી લોકોને થોડી રાહત મળી છે. 3 ટકાના વેટ પ્રમાણે પ્રતિ કિલો 5.75 રૂપિયાનો ફાયદો થશે. તમને જણાવી દઈએ કે છેલ્લા 7 મહિનામાં મહારાષ્ટ્રમાં CNGની કિંમતમાં લગભગ 20 રૂપિયાનો વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે જુલાઈ 2021 માં, મહાનગર ગેસ લિમિટેડે CNGના ભાવમાં પ્રતિ કિલો 2.58 રૂપિયાનો વધારો કર્યો હતો. અહીં જુલાઈમાં સીએનજીની કિંમત 50 રૂપિયા પ્રતિ કિલોથી ઓછી હતી. પરંતુ, ત્યારપછી સીએનજીના ભાવમાં વધારો થતો રહ્યો. ઓક્ટોબરમાં સીએનજીમાં પ્રતિ કિલો રૂ.2નો વધારો કરવામાં આવ્યો હતો. આ પછી સીએનજીની કિંમત 54.57 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ.
આ પછી નવેમ્બરમાં CNG 3.06 રૂપિયા પ્રતિ કિલો વધ્યો. આ પછી 17 ડિસેમ્બરે ફરી એકવાર મુંબઈમાં CNGની કિંમત વધીને 63.50 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ. જો કે હવે સીએનજીના ભાવમાં ઘટાડાથી લોકોને થોડી રાહત મળી છે.