પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું કે, આગામી તા.૧૦ માર્ચથી તા. ૭ જૂન ૨૦૨૩ દરમિયાન તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વર્ષ ૨૦૨૨-૨૩ માં એડવાન્સ એસ્ટીમેટ મુજબ તુવેરનું ૨.૧૦ લાખ હેકટર, ચણાનું ૭.૩૧ લાખ હેકટર તથા રાઈનું ૩.૨૧ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે.
મંત્રી પટેલે ઉમેર્યું કે, વર્ષ ૨૦૨૨-૨૩ માં તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર તા.૦૧.૦૨.૨૦૨૩ થી ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. જે આગામી તા.૨૮.૦૨.૨૦૨૩ સુધી ચાલુ રહેશે. તા.૦૭-૦૨-૨૩ સુધીમાં તુવેર પાકમાં કુલ ૧,૪૩૧, ચણા પાકમાં ૧,૧૬,૧૨૭ તથા રાયડા પાકમાં ૯૪૯ ખેડૂતોએ નોંધણી કરાવેલ છે. રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૧૦.૦૩.૨૦૨૩ થી તા.૦૭.૦૬.૨૦૨૩ દરમિયાન ટેકાના ભાવે ખરીદી કરાશે તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉમદા હેતુથી ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩માં તુવેર પાકનો ટેકાનો ભાવ રૂ.૬૬૦૦ પ્રતિ કિવન્ટલ, ચણાનો રૂ.૫૩૩૫ પ્રતિ કિવન્ટલ તથા રાઈનો ભાવ રૂ.૫૪૫૦ પ્રતિ કિવન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. તુવેરની ખરીદી ૧૩૫ કેન્દ્રો, ચણાની ખરીદી ૧૮૭ કેન્દ્રો અને રાઈની ખરીદી ૧૦૩ કેન્દ્રો પરથી કરાશે.