એચડીએફસી બેંક લિ.એ તેના ડિજિટલ બેંકિંગના નવા ગ્રૂપ હેડ તરીકે અંજની રાઠોડની નિમણૂક કરી છે. અંજની રાઠોડને ચીફ ડિજિટલ ઑફિસર (સીડીઓ)ના પદે નિમવામાં આવ્યાં છે અને તેમના શિરે બેંકની ડિજિટલ રૂપાંતરણની યાત્રાને નવા સ્તરે લઈ જવાની જવાબદારી રહેશે.
તેમની ભૂમિકા બેંકના તમામ કાર્યક્ષેત્રમાં રહેશે. તેમના પર ઉદ્યમો અને ડિજિટલ માધ્યમોના કાર્યદેખાવમાં ડિજિટલ ટેકનોલોજીને અપનાવવાની જવાબદારી રહેશે.
અંજની ભારતી એરટેલ લિ.માંથી બેંકમાં જોડાયા છે, જ્યાં તેમણે 12 વર્ષ ગુજાર્યા હતા. છેલ્લે તેઓ જે પદ પર હતા ત્યાં તેમણે કંપનીના કન્ઝ્યુમર બિઝનેસના ચીફ ઇન્ફોર્મેશન ઑફિસર (સીઆઇઓ) તરીકે ફરજ બજાવી હતી. તેઓ વર્ષ 2007માં ભારતી એરટેલમાં જોડાયાં હતાં અને ત્યાં પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે વિવિધ પદો પર અનેકવિધ પરિવર્તનશીલ પહેલનું નેતૃત્વ કર્યું હતું.
23 વર્ષના અનુભવી ઉદ્યોગજગતના આ દિગ્ગજ અંજની બેંકિંગ, કન્સલ્ટિંગ, એવિયેશન અને ટેલિકૉમ જેવા વિવિધ ક્ષેત્રોનો સમૃદ્ધ અને બહોળો અનુભવ ધરાવે છે. ભારતી એરટેલ પૂર્વે તેઓ બોઇંગ, એસેન્ચર અને સીકૉર્પ જેવા સંગઠનોમાં અગ્રણી પદો પર હતા.
એચડીએફસી બેંકના મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય પુરીએ જણાવ્યું હતું કે, ‘અંજનીના જોડાવાથી અમે ખૂબ જ આનંદ અનુભવી રહ્યાં છીએ. તેમની નિષ્કલંક સિદ્ધિઓ અને નેતૃત્વની સાબિત થયેલી ક્ષમતાઓને પગલે અમને કોઈ શંકા નથી કે બેંકના વરિષ્ઠ અગ્રણીઓની ટીમમાં એક ઉત્કૃષ્ટ સાથીનો ઉમેરો થશે. મને વિશ્વાસ છે કે, અંજનીના નેતૃત્વમાં અમે અમારા ગ્રાહકોને ઉન્નત યુઝર એક્સપીરિયેન્સ પૂરો પાડી શકીશું.’
અંજનીએ જણાવ્યું હતું કે, ‘હું ભારતના ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંકનો હિસ્સો બનીને ખૂબ જ ઉત્સાહિત છું. એચડીએફસી બેંક ડિજિટલ ક્ષેત્રમાં હંમેશા અગ્રણી રહી છે અને જ્યાં સુધી ડિજિટલ સોલ્યુશન્સની વાત છે, તો મારો પ્રયત્ન આ ક્ષેત્રમાં બેંકને વધુ આગળ લઈ જવાનો રહેશે.’
અંજની રાઠોડ આઇઆઇટી ખડગપુરમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં બેચલર ઑફ ટેકનોલોજીની ડિગ્રી અને આઇઆઇએમ-કલકત્તામાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટની ડિગ્રી ધરાવે છે.