આગામી ૧૮,૧૯મી સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનુ બે દિવસીય ચોમાસુ સત્ર મળી રહ્યુ છે ત્યારે આ સત્ર હંગામેદાર બની રહે તેવા એંધાણ છે.કોંગ્રેસે ખેડૂતોના દેવામાફી સહિત અન્ય મુદ્દાઓને લઇને ભાજપ સરકારને ઘેરવા રણનીતિ ઘડી કાઢી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ દિવસભર ધારાસભ્યો સાથે બેઠકનો દોર ચાલ્યો હતો.
સૂત્રોના મતે,ગુજરાતમાં બંધને વ્યાપક સમર્થન મળતા મૃતપ્રાય કોંગ્રેસ જીવંત બની છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ હવે ભાજપ સરકારને ઘેરવાની એકેય તક છોડવા માંગતી નથી.પ્રદેશ પ્રભારી રાજીવ સાતવના અધ્યક્ષસ્થાને ધારાસભ્યોની એક બેઠક મળી હતી જેમાં ૧૮મીએ વિધાનસભાનો ઘેરાવ કરવાના મુદ્દે ચર્ચા વિચારણા કરાઇ હતી. વિધાનસભાનો ઘેરાવ પણ વિપક્ષ તરીકે અસરકારક કાર્યક્રમ બની રહે તે માટે આયોજન કરાયુ હતું.
ધારાસભ્યોને કાર્યકરો સાથે આવવા જવાબદારી સોંપવામાં આવી હતી. ખેડૂતોના દેવામાફીના મુદ્દે કોંગ્રેસ આક્રમક રીતે રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરવાના મૂડમાં છે. ગુજરાતના લાખો ખેડૂતોની સહાનુભૂતિ જીતવા કોંગ્રેસે આ કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. હાર્દિક પટેલે પણ ૧૯ દિવસ સુધી આમરણ ઉપવાસ કર્યા હતા પણ ભાજપ સરકારે ખેડૂતોના દેવામાફીના માંગણી સ્વિકારી ન હતી.
આ ઉપરાંત વિધાનસભામાં ય કોંગ્રેસના ધારાસભ્યો મગફળી કાંડના મુદ્દે હંગામો મચાવશે. ભાજપના મળતિયાઓને મલાઇ તારવા આખુય કૌભાંડ થયુ હતુ તેવા આક્ષેપો સાથે કોંગ્રેસ હોબાળો મચાવી સત્રને હંગામેદાર બનાવશે. માંગી સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીએ આજે દિવસભર બેઠકનો ધમધમાટ રહ્યો હતો.