ભાવવધારાને કારણે પ્રસંગમાં અપાતી સોનાની ગિફ્ટનું ચલણ અને બજેટ બન્ને ઘટ્યા
, મંગળવાર, 25 ફેબ્રુઆરી 2020 (11:38 IST)
ક્રૂડ ઓઈલમાં ભાવમાં થતી વધઘટ, કોરોના ઈફેક્ટ સહિત વિવિધ કારણોસર દેશભરમાં સોનાના ભાવમાં વધારો થયો છે. જેને પગલે સોમવારે રાજકોટમાં સોનાના ભાવની સપાટી રૂ. 44 હજારે પહોંચી હતી. સોમાવારે સવારે ખૂલતી બજારે જ સોનાના ભાવ રૂ. 44450 બોલાયો હતો અને આખા દિવસ તેમાં વધઘટ જોવા મળી હતી. સાંજે રૂ.44100ની સપાટીએ ભાવ રહ્યો હતો. સોનામાં ભાવવધારાને કારણે જન્મ અને લગ્ન પ્રસંગે આપવામાં આવતી સોનાની ગિફ્ટનું ચલણ અને બજેટ બન્ને ઘટ્યા છે. સોનાના ભાવ જ્યારે 30 હજારની સપાટીએ હતા ત્યારે લોકો રૂ. 5 હજારથી લઈને રૂ. 1 લાખ સુધીના બજેટમાં સોનાના દાગીના ખરીદી કરતા હતા તેના બદલે હવે લોકો ચાંદીની વસ્તુ આપવા લાગ્યા છે અને તેનું બજેટ રૂ. 5 હજારથી લઇને રૂ. 15 હજાર સુધી મર્યાદિત રહે છે. સોનામાં ભાવવધારા પહેલા લોકો બાળકોને ઝભલામાં સોનાની ચીજવસ્તુ જ આપવાનું વધુ પસંદ કરતા હતા. જેમાં બચ્ચાં ચેઈન,બચ્ચાં વીંટી તેમજ બચ્ચાં પાયલનો સમાવેશ થતો હતો. જ્યારે લગ્નમાં યુવકોને બ્રેસલેટ અને યુવતીઓને સોનાનો ચેઈન, ઈયરિંગ કે વીંટી આપવામાં આવતી હતી, પરંતુ વધતા જતા ભાવને કારણે લોકોએ પોતાની પસંદ ચાંદી પર ઉતારી છે. હવે લોકો ચાંદીમાં બચ્ચાં કડલી, અમુલ્યુ, ચાંદીના પાયલ વગેરે આપે છે. જ્યારે લગ્નમાં યુવતીઓને લાઈટ વેટ દાગીના ભેટમાં આપવામાં આવે છે. વેપારીના જણાવ્યાનુસાર સૌથી વધુ અસર મધ્યમ વર્ગીય લોકોને પડી છે, તેના બજેટ ઘટી ગયા છે.
આગળનો લેખ