એર ઈન્ડિયાની AI-819 ફ્લાઈટ જે બુધવારે સાંજે સાડા સાત વાગ્યે વડોદરા આવવા ઉડાન ભરવાની હતી. પરંતુ એર ઈન્ડિયાને બોમ્બની ધમકી મળતા ફ્લાઈટ દિલ્હીમાં જ રોકી દેતાં 150 મુસાફરો અટવાયા હતા. બોમ્બની ધમકી હોવાથી મુસાફરોમાં ભય ફેલાયો હતો. બાદમાં 20-20ના ગ્રુપમાં મુસાફરોને અન્ય ફ્લાઈટમાં બેસાડાયા હતા. આજે આ ફ્લાઈટે 176 મુસાફરો સાથે દિલ્હીથી ઉડાન ભરી છે.
ગતરાત્રે વડોદરા એરપોર્ટથી જનાર 180 મુસાફરો અટવાયા હતા, જે તમામ આજે રિશિડ્યુલ ફ્લાઈટમાં જશે.બુધવારે 150 મુસાફરો દિલ્હીથી વડોદરા એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI-819માં વડોદરા આવી રહ્યા હતા. છેલ્લી ઘડીએ ફ્લાઈટ રોકી દેવાઈ હતી. એર ઈન્ડિયાએ સત્તાવાર જાણકારી આપી હતી કે, તેઓને બોમ્બની ધમકી મળી છે. વડોદરા આવનાર 150 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા.
વડોદરાથી દિલ્હી જતી ફ્લાઈટના મુસાફરો વડોદરા એરપોર્ટ પર ફસાયા હતા.દિલ્હીના IGI એરપોર્ટ પર દિલ્હી-વડોદરા એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ગભરાટ ફેલાઈ ગયો જ્યારે ક્રૂ મેમ્બરે પ્લેનના ટોઈલેટમાં બોંબ શબ્દ લખેલું ટિશ્યુ પેપર જોયું. બોંબની માહિતી મળતા જ મુસાફરોને તરત જ ફ્લાઈટમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. બોંબ અને ડોગ સ્કવોડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકોની તપાસ બાદ પણ કંઈ શંકાસ્પદ મળી આવ્યું ન હતું. બાદમાં પેસેન્જરોને બીજી ફ્લાઇટથી મોકલવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, 15 મેના રોજ સાંજે 7:30 વાગ્યાની આસપાસ, વડોદરા જવા રવાના થઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના ટોઈલેટમાં બોંબ શબ્દ લખેલા ટિશ્યુ પેપર મળી આવ્યું હોવાની માહિતી મળી હતી. માહિતી મળ્યા બાદ સમગ્ર ફ્લાઈટમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મુસાફરોના સામાન સહિત ફ્લાઇટના દરેક ખૂણા અને ખૂણે સર્ચ કરવામાં આવ્યું હતું.