અમરેલી શહેરમાં ગઈકાલે એક તરફ ભગવાન ક્રિષ્ણના જન્મોત્સવની ઉજવણી થઈ રહી હતી અને બીજી બાજુ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાંચમાં તસ્કરોએ મોટો હાથ સાફ કરીને જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. બેંકમાંથી તસ્કરોએ 1 કરોડ 34 લાખની ચોરી કરી હોવાની આશંકા છે. ચોરીની માહિતી મળતા એલસીબી સહિતનો પોલીસ કાફલો બેંક દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં તસ્કરો બેંકની પાછળની સાઇડ આવેલા મકાનની દીવાલ તોડી અંદર આવ્યાનું બહાર આવ્યું છે.
ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય પણ દોડી આવ્યા છે. એસબીઆઇ બેંકમાં આવડી મોટી રકમની ચોરી થતા પોલીસ દોડી આવી હતી. પરંતુ બેંક મેનેજરે મીડિયાને ચોરીનો સાચો આંકડો આપવાનો ઇન્કાર કર્યો હતો. પરતું સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બેંકમાં 1 કરોડ 34 લાખની ચોરી થયાનું બહાર આવ્યું છે. ચોરી સમયે સિક્યુરિટી ગાર્ડ ક્યાં હતા તે પણ મોટો સવાલ થઇ રહ્યો છે. પોલીસે બેંકના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે.