Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્ત્રીઓના અંગવળાંક મુજબ એપેરલ કંપનીઓ હવે જિન્સ બનાવવા લાગી

સ્ત્રીઓના અંગવળાંક મુજબ એપેરલ કંપનીઓ હવે જિન્સ બનાવવા લાગી
, બુધવાર, 13 મે 2015 (15:50 IST)
જિન્સ પહેરવાની શોખીન ભારતીય માનુનીઓમાંની મોટા ભાગની યુવતીઓની વિડંબણા એ છે કે તેમને તેમના માપ પ્રમાણેની ચોક્કસ ફીંટીગની જિન્સ નથી મળતી. આનું કારણ એ છે કે શોરૃમમાં મળતી જિન્સ સ્ટાન્ડર્ડ સાઈઝની હોય છે, જે ભારતીય સ્ત્રીઓના અંગઉપાંગના કુદરતી વળાંકો પર બંધ નથી બેસતી.

રાધિકા શર્મા કહે છે કે મને ક્યારેય મારા માપ પ્રમાણેની જિન્સ નથી મળતી. જે જિન્સ મને કમરમાંથી બરાબર થાય તે નિતંબમાં બરાબર નથી લાગતી. અને જે જિન્સની ફિટીંગ નિતંબ પર બરાબર આવે તે કમરમાં ટાઈટ થાય છે. આ સમસ્યા એકમાત્ર રાધિકાની નથી. તેના જેવી અસંખ્ય યુવતીઓની આ  કહાણી છે.

પરંતુ હવે વધુને વધુ એપેરલ કંપનીઓ માનુનીઓની આ સમસ્યા પ્રત્યે ધ્યાન આપી રહી છે. ઘણી કંપનીઓ હવે સાઈઝ પ્રમાણે જિન્સ બનાવવાને બદલે યુવતીઓના અંગોના વળાંકોને ધ્યાનમાં લઈને જિન્સ બનાવવા લાગી છે. ટૂંક સમયમાં જિન્સની એક જાણીતી બ્રાન્ડ સ્ત્રીઓના અંગોના વળાંકો ધ્યાનમાં રાખીને બનાવેલી જિન્સની શ્રેણી બજારમાં ઉતારવાની છે.

કંપનીએ વિશ્વભરમાં 60,000 જેટલી મહિલાઓના શરીરના આકાર અને માપનો બારીકાઈપૂર્વક અભ્યાસ હાથ ધર્યો હતો. આ અભ્યાસમાં તેમને વિશ્વભરની 80 ટકા સ્ત્રીઓમાં ત્રણ પ્રકારના આકારની બોડી જોવા મળી હતી.

અગાઉ મહિલાઓ માટે જિન્સ બનાવતી એક કંપનીએ ભારતીય સ્ત્રીઓના ફિગરના કરેલા અભ્યાસમાં 90 ટકા યુવતીઓમાં ત્રણ જાતની કમર અને નિતંબની સાઈઝ જોવા મળી હતી. આ અભ્યાસને ધ્યાનમાં લઈને સંબંધિત બ્રાન્ડે કમરના દરેક માપમાં નિતંબની જુદી જુદી ત્રણ સાઈઝ ડિઝાઈન કરી હતી. એટલે કે જો જિન્સની કમર 28ની સાઈઝની હોય તો તેમાં નિતંબમાં 36, 38 અને 39 એમ જુદી જુદી ત્રણ સાઈઝ ડિઝાઈન કરવામાં આવી હતી.

અન્ય એક જાણીતી એપેરલ કંપનીએ એક દાયકા પહેલા અભ્યાસ કરીને ભારતીય સ્ત્રીઓના ફિગરને ચાર કોટિમાં વહેંચ્યું હતું. ઉપરથી પાતળી અને મોટા નિતંબ ધરાવતી સ્ત્રીને કમ્ફર્ટ, એક જ સાઈઝના ઉરોજ-કમર-નિતંબ ધરાવતી યુવતીને સ્ટ્રેટ, શરીરનો ઉપરનો અને નીચેનો ભાગ એકસરખો હોય પણ કમર પાતળી હોય તેને ટ્રીમ અને પહોળા ખભા-પાતળી કમર-નાના નિતંબ ધરાવતી પામેલાને રેગ્યુલર એમ ચાર કક્ષામાં વહેંચવામાં આવી હતી.

ભારતીય મહિલાઓના અંગોના વળાંક મુજબ જિન્સ ડિઝાઈન કરનાર કંપનીના સીઈઓએ જણાવ્યું હતું કે જ્યારથી અમે આ પ્રકારની જિન્સ બજારમાં મુકી છે ત્યારથી અમારા જિન્સના વેચાણમાં 40 ટકાની વૃદ્ધિ થઈ છે. અન્ય એક કંપનીના સર્વેક્ષણ મુજબ 54 ટકા યુવતીઓ 10 જોડી જિન્સનું ટ્રાયલ લે ત્યારે માંડ એકાદ જિન્સ તેમને બંધ બેસે છે. 87 ટકા માનુનીઓ એમ ઇચ્છતી હોય છે કે તેમની પાસે જે જિન્સ છે તેના કરતાં વધારે સારી ફિટિંગની જિન્સ તેમને મળે. માનુનીઓની આ સમસ્યાને ધ્યાનમાં લઈને હવે મોટા ભાગની એપેરલ કંપનીઓ સ્ત્રીઓના અંગવળાંકના માપ મુજબ જિન્સ ડિઝાઈન કરવા લાગી છે.

Share this Story:

Follow Webdunia gujarati