Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સંગ્રહખોરોની ગણતરીઓ ઊંધી વળતા ડુંગળી 10 રુપિયે કિલો કરવી પડી

સંગ્રહખોરોની ગણતરીઓ ઊંધી વળતા ડુંગળી 10 રુપિયે કિલો કરવી પડી
, સોમવાર, 11 ઑગસ્ટ 2014 (12:21 IST)
એક મહિના પહેલા ડુંગળીની ભારે અછતની બૂમો વચ્ચે તેના ભાવ અસહ્ય વધી ગયા હતા.જ્યારે હાલ અમદાવાદ શહેરમાં ડુંગળી માની ન શકાય તેવા ૧૦ રૃપિયે કિલોના ભાવે છૂટક બજારમાં વેચાઇ રહી છે.૩૦ રૃપિયે કિલોના ભાવ સુધીની મોંઘીદાટ ડુંગળી ખાવા મજબૂર બનેલા લોકો માટે રાહતની વાત એ છે કે સંગ્રહખોરોએ મે માસમાં સંગ્રહેલી ડુંગળી બગડવા માંડતા જ તેને નાછૂટકે તળીયાને ભાવે બજારમાં ઠાલવી દેવા માટે તેઓએ મજબૂર થવું પડયું છે.મે માસમાં પાકતી ડુંગળી કમોસમી વરસાદ સહિતના પરીબળોને લીધે હલકી ગુણવત્તાવાળી ઉત્પાદીત થઇ હોવાના કારણે સંગ્રહખોરોની ચોમાસાની સિઝનમાં ઉંચી નફાખોરી રળી લેવાની ગણતરીઓ આ વર્ષે ઉંધી પડી ગઇ છે.જેના લીધે જ હાલ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના રસોડામાં ડુંગળી પાછી જોવા મળી રહી છે.

દર ચોમાસમાં ડુંગળી ભારે અછતની બૂમો વચ્ચે ૩૦થી ૩૫ રૃપિયે કિલોએ છૂટક બજારમાં વેચાતી હોય છે.અને આ કડવી વાસ્તવીકતા છે. મે માસમાં ઉત્પાદીત થયેલી ડુંગળીને વેપારીઓ ગોડાઉનોમાં સંગ્રહીને જુન, જુલાઇ,ઓગષ્ટ અને સપ્ટેમ્બર આ ચાર મહિનાનાં સમયગાળામાં મહત્તમ વળતર મેળવી લેવા માટે તેને તક અને નફાખોરીની માત્રા જોઇને બજારમાં ઠાલવતા હોય છે.આ જ માનસિકતાના કારણે ચોમાસા દરમિયાન ડુંગળીના ભાવ દેશની રાજધાની દિલ્હીમાં કિલોએ ૧૦૦ રૃપિયા સુધી પહોંચી જતા હોય છે.પરંતુ આ વર્ષે ઉલટી ગંગા વહી છે.મે માસમાં સંગ્રહાયેલો ડુંગળીનો માલ બગડી જતા કે બગડવાની તૈયારીમાં હોવાથી તેને બજારમાં તાત્કાલિક ઠાલવવા માટે વેપારીઓએ મજબૂર થવું પડયું છે.જેનો સીધો ફાયદો ગ્રાહકોને થતો હોય તેમ હાલ અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ડુંગળી ૧૦ રૃપિયે કિલોના ન્યુનત્તમ દરે છૂટક બજારમાં વેચાઇ રહી છે.જ્યારે સારી ક્વૉલીટીની ડુંગળી ૩૦ રૃપિયે કિલો સુધીના ભાવે પણ વેચાઇ રહી છે.રાજસ્થાન અને મહારાષ્ટ તરફથી આવતી ડુંગળી આ વર્ષે હલકી ગુણવત્તાવાળી હોવાથી આ સ્થિતિ સર્જાઇ છે.સપ્ટેમ્બર માસમાં હજુ ભાવમાં વધઘટ થવાની સંભાવના છે. ચોમાસા પછી નવરાત્રીમાં એટલેકે નવેમ્બર માસમાં મહારાષ્ટ્રના પૂના, ધુલીયા, અહમદનગર અને કોલ્હાપુરથી ડુંગળીને નવો માલ નિકળે છે.જે સમગ્ર દેશમાં પૂરો પડાય છે.નવેમ્બરમાં રાજસ્થાનના ખેરથલ અને અલ્વરનો પાક પણ બજારમાં આવે છે.

ડિસેમ્બરમાં ગુજરાતના મહુવા ભાવનગર, તળાજા અને મહારાષ્ટ્રના લાસલગાંવ, પીપલગાંવ સહિતના વિસ્તારોમાંથી ડુંગળી છેક એપ્રિલ સુધી દેશભરમાં પૂરી પડાય છે.આમ હજુ સપ્ટેમ્બર અને ઓક્ટોબરના બે મહિના સુધી ડુંગળીના સંગ્રહાયેલા જથ્થા પર મદાર રાખવાનો હોવાથી ભાવમાં હજુ વઘઘટ થઇ શકે છે તેમ વેપારીઓનું માનવું છે.નવેમ્બરથી એપ્રિલ સુધીમાં પાકતી ડુંગળીનું આયુષ્ય માત્ર ૨૦ દિવસનું હોવાથી ખેડૂતો અને વેપારીઓ તેને જે ભાવ હોય તે ભાવે બજારમાં ઠાલવી દેતા હોય છે.જ્યારે મે માસમાં નિકળતી ડુંગળી જ સંગ્રહવા લાયક હોય છે.જે સમગ્ર ચોમાસમાં ખવાય છે પરંતુ આ વર્ષે તે બગડવા માંડતા તેને હાલ સસ્તાભાવે બજારમાં ઠાલવી દેવા માટે વેપારીઓએ મજબૂર થવું પડયું છે.જેના લીધે હાલતો દરેક ઘરમાં ડુંગળી જોવા મળી રહી છે.જોકે હાલ પણ સારી ગુણમવત્તાવાળી ડુંગળી બજારમાં ૩૦ રૃપિયે કિલોએ પણ વેચાઇ રહી છે. હાલ મહુવા અને અમદાવાદમાં સારી ડુંગળી ૨૦ રૃપિયે કિલોના જથ્થાબંધ ભાવે તેમજ દિલ્હીમાં ૪૦ રૃપિયે કિલોના ભાવે વેચાઇ રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati