Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યમાં કપાસનું મબલખ ઉત્પાદન: ભાવો ન મળતાં હોવાની બુમ

રાજ્યમાં કપાસનું મબલખ ઉત્પાદન: ભાવો ન મળતાં હોવાની બુમ
, ગુરુવાર, 20 નવેમ્બર 2014 (16:46 IST)
રાજ્યમાં કપાસનું મબલખ ઉત્પાદન થયું છે, પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતાં હોવાને મામલે બુમરાણ મચતાં મચતાં નવેમ્બરના આરંભથી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. પખવાડિયા દરમિયાન સીસીઆઈએ રાજ્યમાં ૩૯ કેન્દ્રો દ્વારા ૨૯૦૦૦ ગાંસડી કરતા વધારે ખરીદી કરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ટેકાના ભાવે કપાસની ખરીદીની શરતોમાં ચુસ્ત રહે છે એના લીધે મોટા ભાગનો કપાસ ટેકા કરતા સસ્તાં ભાવે વેચાય જતો હોવાથી ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે અને કિસાન સંઘ આ મામલે લાલઘૂમ થયું છે. ખેડૂતોના હિતમાં તા. ૨૦મી નવેમ્બર બાદ આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે. સીસીઆઈ આઠ ટકા કે તેનાથી ઓછી હવાવાળો કપાસ ખરીદે છે એમાં ૩.૫ માઈક અને ૨૮થી ૨૯ મિ.મી.ની લંબાઈ જોવામાં આવે છે. એ ન હોય તો કપાસની ખરીદી કરવામાં આવતી નથી. સીસીઆઈની કપાસની ખરીદી માટે આવી નીતિ-રીતિથી ખેડૂતોમાં વ્યાપક વિરોધ ઊભો થયો છે. કપાસનું ખેતી ખર્ચ વધુ રહ્યું છે. મણે રૂપિયા ૧૦૦૦ની પડતર છે. આ સ્થિતિમાં ખેડૂતોનો મોટા ભાગનો કપાસ મણે રૂ. ૭૦૦-૭૫૦માં વેચાય જાય છે. સીસીઆઈ બજારભાવથી ખરીદી કરે અથવા ટેકાનો ભાવ રૂ. ૮૦૦ કરતા વધારે આપે એવી માગણી ઊઠી છે.

સીસીઆઈના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૧૭ કેન્દ્રો શરૂ કરી ૪૭૦૦ ગાંસડીની પ્રાપ્તિ કરી લીધી છે. ગુજરાત તરફ કુલ ૨૨ કેન્દ્રો શરૂ કરાયા છે અને અત્યાર સુધીમાં ૨૪૦૦૦ ગાંસડીની ખરીદી થઈ હોવાનો અંદાજ છે. ગુજરાતભરમાંથી કપાસની રોજીંદી આવક આશરે બે લાખ મણ છે પણ મોટા ભાગના માલમાં હવા આવી રહી હોવાથી ખરીદી શક્ય બનતી નથી. સારો કપાસ જિનર્સો ઊંચા ભાવે ખરીદતા હોવાથી સીસીઆઈને મળતો નથી. કિસાનસંઘ દ્વારા કપાસના ભાવના પ્રશ્ર્ને આગામી તા. ૨૦મી નવેમ્બરના રોજ બેઠક રાખવામાં આવી છે એમાં સૌરાષ્ટ્રના જિલ્લા-તાલુકા મથકના અગ્રણીઓ હાજરી આપશે. કિસાન સંઘ આવેદનપત્રો, રેલી અને ધરણાં જેવા કાર્યક્રમો આપવાનાં મુડમાં છે.

Share this Story:

Follow Webdunia gujarati