Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફક્ત બે હાઇવે પરથી જ રાજ્ય સરકારે ટોલટેક્સ પેટે રૃ. ૮૭૦ કરોડ ઉઘરાવી લીધા

ફક્ત બે હાઇવે પરથી જ રાજ્ય સરકારે ટોલટેક્સ પેટે રૃ. ૮૭૦ કરોડ ઉઘરાવી લીધા
, શુક્રવાર, 6 ફેબ્રુઆરી 2015 (16:48 IST)
અમદાવાદ-મહેસાણા અને વડોદરા-હાલોલ હાઇવે પરથી રાજય સરકાર તરફથી તા.૩૧-૧૨-૨૦૧૪ સુધીમાં કુલ મળી રૃ.૮૭૦ કરોડથી વધુનો ટોલટેક્સ ઉઘરાવાયો છે. ટોલટેક્સની પીઆઇએલ નં-૧૯૫/૨૦૧૩માં હાઇકોર્ટના નિર્દેશાનુસાર રાજય સરકાર દ્વારા વિગતવાર સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં આ ખુલાસો કરાયો હતો. જો કે, અરજદારપક્ષ દ્વારા સરકાર દ્વારા ટોલ ઉઘરાવવા માટે ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની લિ. સાથે જે કરાર મારફતે ફ્રેન્ચાઇઝી આપી કરાર કરાયો છે તેનો સખત વિરોધ કરાયો હતો અને જણાવાયું હતું કે, આ પ્રકારે પબ્લીક મનીને ફ્રેન્ચાઇઝીના કરાર મારફતે ઉઘરાવવાની સત્તા આપી શકાય નહી.
અરજદારપક્ષ તરફથી સરકાર અને કંપની વચ્ચે થયેલા આ કરારની નકલની પણ માંગણી કરવામાં આવી હતી, જેથી કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ વી.એમ.સહાય અને જસ્ટિસ આર.પી.ઢોલરિયાની ખંડપીઠે સરકારપક્ષને કોપી અરજદારપક્ષને આપવા સૂચના આપી હતી. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ મુકરર કરી હતી. અમદાવાદ-મહેસાણા, વડોદરા-હાલોલ અને વટામણ-તારાપુર સહિતના માર્ગો પર ગેરકાયદે ઉઘરાવાતા ટોલટેક્સની લૂંટ બંધ કરાવવા દાદ માંગતી  પીઆઇએલ નંબર-૧૯૫/૨૦૧૩માં રાજયના રોડ એન્ડ બિલ્ડીંગ  ડિપાર્ટમેન્ટના સ્પેશ્યલ પ્રોજેકટના ઓફિસર ઓન સ્પેશ્યલ ડયુટી આર.કે.ચૌહાણ તરફથી એડવોકેટ જનરલ કમલભાઇ બી.ત્રિવેદીએ સોગંદનામું રજૂ કરી જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની લિ.ને ટોલ ઉઘરાવવાની ફ્રેન્ચાઇઝી આપવામાં આવી છે અને તેના આધારે કંપની તરફથી ટોલ ઉઘરાવવામાં આવી રહ્યો છે. અમદાવાદ-વિશાલા અને વટામણ-તારાપુર હાઇવે પર ટોલ ઉઘરાવવાનું બંધ કરી દેવાયું છે. જયારે અમદાવાદ-મહેસાણા અને વડોદરા-હાલોલ હાઇવે પર તા.૩૧-૧૨-૨૦૧૪ સુધીમાં અનુક્રમે રૃ.૫૧૩.૬૪ કરોડ અને રૃ.૩૫૪ કરોડથી વધુની રકમ ટોલટેક્સ પેટે ઉઘરાવવામાં આવી છે જે સરકારમાં જમા થઇ છે. સરકાર દ્વારા ઉપરોકત કંપની સાથે ૩૦ વર્ષનો કરાર કર્યો છે અને કરાર પૂરો થયે બે વર્ષનું એક્ષ્ટેન્શન આપવાની જોગવાઇ કરાઇ છે.



Share this Story:

Follow Webdunia gujarati