Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી ભાણું પણ મોંઘું થશે?, ઘઉંનાં ભાવો પણ વધ્યા

ગુજરાતી ભાણું પણ મોંઘું થશે?, ઘઉંનાં ભાવો પણ વધ્યા
, શુક્રવાર, 29 માર્ચ 2013 (14:34 IST)
P.R
નવા ઘઉંની સિઝન શરૂ થતાં જ ઉંચા ભાવ જોવા મળી રહ્યા છે. જેના પગલે આ વર્ષે બારમાસી ઘઉંની ખરીદી કરનારાઓને ચિંતા થઇ રહી છે કે, ઘઉંની રોટલી બનાવવામાં પણ મોંઘવારી નડશે. ૧લી એપ્રિલથી રેલવેના ભાડામાં વધારો થશે. બીજી તરફ વીજળીના દરમાં પણ વધારો તોળાઇ રહ્યો છે ત્યારે હવે ગુજરાતીઓના ભોજનની થાળીમાં જોવા મળતી રોટલી પણ મોંઘી બની રહેશે.

જ્થ્થાબંધ અનાજ બજારના એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે, 'ગત વર્ષની તુલનાએ ઘઉંના એક ક્વિન્ટલના રૂ. ૫૦૦નો ભાવ વધારો ગણવામાં આવી રહ્યો છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં મોટા ભાગે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, યુ.પી અને સૌરાષ્ટ્રના ઘઉંની ખરીદી થતી હોય છે. હાલમાં મધ્ય પ્રદેશમાં નવા ઘઉંની સિઝન શરૂ થઇ છે પણ સારી ગુણવત્તાના ઘઉંનો પૂરવઠો ત્યાંના બજારમાં ઓછો જોવા મળી રહ્યો છે. બીજી તરફ તાજેતરમાં મધ્ય પ્રદેશમાં હવામાનમાં ફેરફારના પગલે માવઠું જોવા મળ્યું હતું. જેના પગલે પણ હાલમાં જે સારી ગુણવત્તાનો પાક ઉભો છે તેને અસર પડી શકે તેમ છે.

મુખ્ય ત્રણ જાતના ઘઉંનો વપરાશ નાગરિકો કરતાં હોય છે, તેમાં લોકવન (રજવાડી), ૧૪૭ ( ટુકડા) અને શરબતીનો સમાવેશ થાય છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સરકારે પણ ખેડૂતો પાસેથી ખરીદવામાં આવી રહેલા ઘઉં ઉપર રૂ.૧૫૦નું બોનસ જાહેર કર્યું છે. મધ્ય પ્રદેશ સરકાર ખુલ્લા બજારમાંથી જે ઘઉં ખરીદી રહી છે, તેના લઘુત્તમ ભાવ રૂ. ૧૩૫૦ તથા રૂ. ૧૫૦ બોનસ મળીને રૂ. ૧૫૦૦ ચૂકવાય છે. આથી ખેડૂતો મધ્ય પ્રદેશ સરકારને ઘઉં વેચવા માટે વધુ ઉત્સાહ દર્શાવે છે. મધ્યુ પ્રદેશમાં ઘઉંનો પાક પુષ્કળ થયો છે તે પણ મિડિયમ ક્વોલીટીનો વધુ છે.

હાલમાં બજારમાં જે ઘઉં વેચાણ માટે આવ્યા છે તેમાં લોકવનજાતના ઘઉંના મિડિયમના ભાવ એક ક્વિન્ટલના રૂ. ૧૮૫૦ થી રૂ. ૨૦૦૦, મિડિયમ બેંસ્ટ ઘઉંના રૂ. ૨૦૦૦ થી રૂ. ૨૨૦૦, તથા સુપર ઘઉંના ભાવ રૂ. ૨૨૦૦ થી રૂ. ૨૪૦૦ રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati