Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કમોસમી વરસાદ અને અનિયમિત વાતાવરણને કારણે હાફુસનો પાક નિષ્ફળ જવાની ધારણા

કમોસમી વરસાદ અને અનિયમિત વાતાવરણને કારણે હાફુસનો પાક નિષ્ફળ જવાની ધારણા
, ગુરુવાર, 12 માર્ચ 2015 (17:49 IST)
કમોસમી વરસાદ અને અનિયમિત વાતાવરણને કારણે આ વર્ષે વલસાડી હાફુસ કેરીનો અંદાજિત ૫૦ થી ૬૦ ટકા પાક નિષ્ફળ જવાની ધારણા સેવાઈ રહી છે. દિવાળીથી અત્યાર સુધી ૩ વખત પડેલો કમોસમી વરસાદ અને હવે પડેલી અચાનક ગરમીના કારણે  કેરીના પાકની યોગ્ય માવજત કરનારા ખેડૂતોને તેમની મહેનતનું વળતર જ મળશે નફો નહીં મળે તેવું લાગી રહ્યું છે. જેના કારણે આ વર્ષે વલસાડી હાફુસ કેરીની નિકાસ સામે પણ પ્રશ્નાર્થ સેવાઈ રહ્યો છે.

વિશ્વભરમાં પ્રખ્યાત એવી વલસાડી હાફુસ કેરીની માંગ દિવસેને દિવસે વધતી જ રહેતી હોય છે. જોકે છેલ્લા બે-ત્રણ વર્ષથી કેરીના પાકને અનુકુળ વાતાવરણ નહીં મળતાં કેરીનો પાક જોઈએ તેવો મળી શકતો નથી. આ વર્ષે પણ દિવાળીથી અત્યાર સુધી ત્રણ વખત પડેલા કમોસમી વરસાદે કેરીનો પાક લણતા ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. કમોસમી વરસાદ અને અચાનક પડી રહેલી સખત ગરમીને કારણે આંબા પર આવેલા મ્હોર પણ બળી જવા પામ્યા છે.

પારડી તાલુકાના ડુમલાવના ખેડૂત પ્રકાશભાઈના જણાવ્યાનુસાર આ વર્ષે કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણ બાદ દિવસે ગરમી અને રાત્રે ઠંડીનું વાતાવરણ ઊભું થતાં કેરીના પાકને પ્રતિકુળ અસર પડી છે. દિવાળી બાદ સારો પાક ઉતરવાની ધારણા હતી. પરંતુ વાતાવરણમાં આવેલા અચાનક પલ્ટાને કારણે કેરીના પાક પર નભતાં ખેડૂતોને માવજતનું પણ વળતર મળશે કે કેમ ? એક પ્રશ્ન ઊભો થયો છે.

ફણસાના ખેડૂત પ્રવિણભાઈએ જણાવ્યું કે કેરીના પાક માટે અનુકુળ વાતાવરણ ઊભું નહીં થતાં વલસાડી હાફુસ કેરીના અંદાજિત ૫૦ થી ૬૦ ટકા પાક નિષ્ફળ જવાની ધારણા સેવાઈ રહી છે. જેની સીધી અસર કેરીની નિકાસ પર પણ થશે. ગત વર્ષે કેરીની નિકાસ પર અમુક દેશોમાં પ્રતિબંધ મુકાયો હતો. જેને કારણે ગત વર્ષે સ્થાનિક બજારમાં કેરીના ભાવો જળવાઈ રહ્યા હતા. પરંતુ આ વર્ષે કેરીનો પ્રતિબંધ પણ ઉઠાવી લીધો હોવાથી વધેલા પાકમાંથી મોટાભાગની નિકાસ થશે, જેની અસર સ્થાનિક બજારોમાં પડશે અને કેરીના ભાવો પણ ઊંચકાશે તેવી શક્યતાઓ છે.

જ્યારે ખેરલાવના ખેડૂત મહેશભાઈએ જણાવ્યું કે જે ખેડૂતોએ ૨૦થી ૨૨ દિવસના અંતર રાખી કેરીના પાકને નિયમિત દવાનો છંટકાવ કર્યો છે તેઓને કેરીના પાક લેવામાં વાંધો નહીં આવે, જ્યારે બાકીના કુદરતી વાતાવરણ પર નિર્ભર રહેતા ખેડૂતોને દવાનો નિભાવ ખર્ચ પણ નીકળશે તેવી કોઈ આશા દેખાતી નથી.

Share this Story:

Follow Webdunia gujarati