કીડી બિચારી કીડલી રે કીડીનાં લગનિયાં લેવાય,
પંખી પારેવડાંને નોંતર્યાં,
એ..ઍ કીડીને આપ્યાં સનમાન,
હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
મોરલે બાંધ્યો રુડો માંડવો રે,
ખજૂરો પીરસે ખારેક,ભૂંડે રે ગાયાં મીઠાં ગીતડાં.
એ…એ કે પોપટ પીરસે પકવાન,
હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
મંકોડાને મોકલ્યો માળવે રે, લેવા માંડવીઓ ગોળ,
મંકોડો કેડેથી પાતળો,
એ… ગોળ ઉપડ્યો ન જાય,
હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
મીનીબાઈને મોકલ્યા ગામમાં રે, એના નોતરવા કામ,
હામા મળ્યા બે કૂતરા,
એ..ઍ બિલાડીનાં કરીયા બે કામ.
હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
ઘોડેરે બાંધ્યા પગે ઘૂઘ્રરા રે, કાચીંડે બાંધી કરતાલ,
ઊંટે રે બાંધ્યા ગળે ઢોલકા.
એ…ઍ ગધેડુ ભૂંકે શરણાઈ
હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
ઉંદરમામા હાલ્યા રીહામણએ રે બેઠા દરિયાને બેટ,
દેડકો બેઠો ડગમગે,
ઍ…એ મને કપડા પહેરાવ.
જાવું છે કીડીબાઈની જાનમાં
હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
વાંહડે ચઢ્યો એક વાંદરો રે, જુએ જાનની વાટ,
આજે તો જાન વધાવવી
એ…ઍ કે હાંભર્યો હાથીભાઈનો નાદ.
હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
કઈ કીડી ને કોની જાન છે રે, સંતો કરજો વિચાર.
ભોજા ભગતની વિનતી,
એ..ઍ સમજો ચતુર સુજાણ.
હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
એ…હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.