મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ,
મુખેથી મોરલી બજાવતા રે લોલ.
હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ
ઓઢણ અંબર વીસરી રે લોલ.
હું તો પાણીડાંની મસે જોવા નીસરી રે લોલ,
ઇંઢોણી ને પાટલી વીસરી રે લોલ.
સાગ રે સીસમની મારી વેલડી રે લોલ
નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ.
મેં તો ઘોળો ને ઘમળો બે જોડિયા રે લોલ
જઇ અને અમરાપરમાંમાં છોડિયા રે લોલ
અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ
મેં તો જાણ્યું ક એ હરિ અહીં વસે રે લોલ
મેં તો દૂધ ને સાકરનો શીરો ક્ર્યો રે લોલ
ત્રાંબાના ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલ
હું તો જમવા બેઠી ને જીવણ સાંભર્યા રે લોલ
કંઠેથી કોળિયો ન ઊતર્યો રે લોલ
મને કોઇ તો દેખાડો દીનાનાથને રે લોલ
કોળિયો ભરાવું જમણા હાથનો રે લોલ
હું તો ગોંદરે તે ગાવડીને છોડતી રે લોલ
ચારેય દિશે તે નજર ફેરતી રે લોલ
મેંતો છેટેથી છેલવર દેખિયા રે લોલ
હરિને દેખીને ઘૂંઘટ ખોલિયા રે લોલ
મારી શેરીએ તે કાનકુંવર આવતા રે લોલ
મીઠી તે મોરલી વગાડતા રે લોલ