ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જંગલી શિકારી પશુઓનો પગપેસારો હવે વધવા માંડ્યો છે. ત્યારે અનેક એવા બનાવો બન્યાં છે જેમાં ગામમાં કે ફળીમાં ઘૂસીને દિપડા કે સિહે કોઈ અબોલા જાનવરનો શિકાર કર્યો હોય અથવા તો લોકો પર હૂમલો કર્યો હોય. પ્રાપ્ત વિગતો પ્રમાણે ચીખલી તાલુકાના નોગામાં ગામના સાગરિયા ફળિયામાં રાત્રિ દરમિયાન દીપડી રસોડાની પજારીમાં ઘૂસી જઇ ત્રણ ભાઇઓ પર ઉપરા છાપરી હુમલો કરતા એકબીજાને બચાવવાના પ્રયત્નમાં કોદાળી વાગી જતા દીપડીનું મોત નીપજ્યું હતું. જ્યારે દીપડીના હુમલામાં ઇજાગ્રસ્ત ચાર પૈકી ત્રણને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. દીપડીના હુમલાને પગલે ગામમાં દહેશતનો માહોલ સર્જાવા પામ્યો હતો.ચીખલી રેંજ કચેરીએ પ્રાપ્ત વિગત મુજબ તાલુકાના નોગામા ગામે રવિવારે રાત્રે સાગરિયા ફળિયાના હળપતિવાસમાં દીપડી રસોડાની પજારીમાં ઘૂસી જઇ સંજય બાબુભાઇ હળપતિ પર હુમલો કરતા તેને માથા અને હાથ-પગના ભાગે ઇજા થઇ હતી. પોતાના પતિ પર જીવલેણ હુમલાને પગલે પત્નીએ બૂમાબૂમ કરતા સંજયને બચાવવા તેનો ભાઇ મહેશ અને ભાવેશ હળપતિ દોડી આવતા દીપડીએ ત્રણેય પર ઉપરા-છાપરી હુમલો કરતા આ ત્રણેય ભાઇઓ પર દીપડીએ હુમલો કર્યો હતો.આ દરમિયાન તેમના પિતા બાબુભાઇ ઇશ્વરભાઇ હળપતિએ પણ તેમના દિકરાઓને બચાવવાનો પ્રયત્ન કરતા આ સમયે તેમના હાથમાં લોખંડની કોદાળી આવી જતા દીપડીને કોદાળીથી ભગાડવાનો પ્રયત્ન કરતા તે દરમિયાન દીપડીનું સંતુલન બગડતા કોદાળી દીપડીને વાગી જતા મોત નીપજ્યું હતું. આ ઘટનામાં બાબુભાઇ હળપતિને હાથમાં ઇજા થઇ હતી. દીપડીના હુમલામાં ઇજાગ્રસ્ત ત્રણેય ભાઇઓને નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.ગીર વિસ્તારના વીરપુર ગામે મોડી રાત્રે આવી ચડેલા સાવજે વાછરડીનું મારણ કર્યું હતુ. રાતભર ગામની શેરીમાં રોકાયા બાદ વહેલી સવારે ગ્રામજનો જાગતા સાવજ નજરે ચડ્યો અને વાછરડાનું મારણ કર્યાનું જાણવા મળ્યું. ગામની શેરીમાં સાવજ જોવા મળતા થોડીવાર માટે વહેલી સવારે નાસભાગ મચી જવા પામી હતી. જો કે શેરીમાંથી વાહન પસાર થતા સિંહે દોટ મૂકી હતી અને પલાયન થઇ ગયો હતો. જ્યારે લોકો સાવજને જોવા માટે પોતાની અગાશી પર ચડી ગયા હતા