રાજ્યમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ચૂંટણીના આડે હવે માંડ પાંચ દિવસ રહ્યા છે ત્યારે મતદારોમાં દેખાતો નિરુત્સાહ ભાજપ અને કૉંગ્રેસ એમ બંને પક્ષને સતાવી રહ્યો છે ત્યારે મતદારોની નિરાશાના લીધે મતદાન ઓછું થાય તો તેનો કોને વધારે ફાયદો અને કોને વધારે નુકસાન થશે તેની ગણતરી મંડાઇ રહી છે.
ચૂંટણી પ્રચારના પાંચ જ દિવસ બાકી છે ત્યારે મતદારો હજુ ચાર્જ થતા નથી. પ્રચારનો રંગ જામતો નથી. સામાન્ય રીતે ઓછા મતદાનથી કૉંગ્રેસને ફાયદો થતો હોવાના દાવાઓ પણ રજૂ થતા રહ્યા છે જ્યારે વધારે મતદાન ભાજપાને વધારે ફાયદા ભણી લઇ જતું હોય છે. પાટીદાર અનમાત આંદોલને મતદાન અને ચૂંટણી પ્રચારના તમામ સમીકરણોને ઊંધા ચત્તા કરી દીધા છે ત્યારે મતદારોનું પ્રચારથી અળગા રહેવાનું કોને ભારે પડશે તેની ઉપર ભાજપ અને કૉંગ્રેસ એમ બંને મુખ્ય રાજકીય પક્ષો વિશ્ર્લેષણ કરી રહ્યા છે. ભાજપની પરંપરાગત વોચ બૅંક ગણાતો પાટીદાર સમાજ હવે ખુલ્લેઆમ ભાજપને રામ રામ કરીને કૉંગ્રેસ ભણી વળ્યો છે ત્યારે ભાજપ વિરોધી એન્ટી ઇનક્મબન્સી મોજું હોવાનું કહેવાઇ રહ્યું છે. ભાજપ માટે બીજી મોટી મુશ્કેલી તેના કમિટેડ કાર્યકર્તાઓની ભેદી નિષ્ક્રિયતા પણ છે. બદાયેલા સમીકરણો વચ્ચે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોના સંપર્ક અને તેમને ક્ધવીન્સ કરવાની કવાયત હજુ સુધી ભાજપ શરૂ કરી શક્યું નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જો કૉંગ્રેસને રોકડો એટલો નફો જેવો ઘાટ છે. જ્યારે ભાજપ અત્યારે મોટાભાગની જિલ્લા અને મહાનગરોમાં સત્તાસ્થાન છે ત્યારે થોડું પણ નુકસાન તો તેને જ થઇ શકે છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર દેશભરની નજર પણ રહેવાની છે, કારણ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બંને ગુજરાત સાથે સીધો નાતો ધરાવે છે.