અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને પછડાટ આપીને ૨૦૦૦-૦૫ની ટર્મ બાદ પુનઃ સત્તાનાં સૂત્રો સંભાળવા થનગનતી કોંગ્રેસમાં સ્થાનિક ઉમેદવારોને પ્રાધાન્ય અપાશે, જે વોર્ડ રદ કરાયા છે તેવા વોર્ડ સિવાયના વોર્ડમાં કોઈને પણ વોર્ડ બદલવાની છૂટ નહીં અપાય. ભાજપ વિરુદ્ધ પ્રજામાં એન્ટિઈન્કમબન્સી, પાટીદાર અનામત આંદોલન જેવાં પરિબળોને કારણે દાયકા બાદ કોંગ્રેસ માટે અમદાવાદ કોર્પોરેશનની સત્તા મળવાની શક્યતા ઊજળી બની છે. પરિણામે કોંગ્રેસ હાઈકમાન્ડ પણ ઉમેદવારોની પસંદગીમાં ફૂંકી ફૂંકીને ડગલાં ભરી રહ્યું છે.
ચૂંટણી પ્રક્રિયાના પ્રારંભથી કોંગ્રેસ હાઈકમાન્ડે ત્રણ તબક્કામાં ઉમેદવારો પસંદ કરવા લીધા હતા. જેમાં બળવાની સંભાવનાને નહીંવત્ કરવા પહેલા તબક્કે જ વોર્ડ સ્તરેથી પસંદગી પ્રક્રિયા શરૂ કરાઇ હતી. વોર્ડ સમિતિએ નામો પસંદ કરીને સંકલન સમિતિ-કોર સમિતિ સમક્ષ મૂક્યા હતા.
અત્યાર સુધીમાં ૨૭ વોર્ડની પેનલ નક્કી કરાઈ છે, જેમાં નવા પશ્ચિમ ઝોનનો સમાવેશ થાય છે. જોકે ગોમતીપુર, જમાલપુર જેવા વોર્ડનું કોકડું ગૂંચવાયેલું છે. આજે સવારના અગિયાર વાગ્યાથી શંકરસિંહ વાઘેલાના ગાંધીનગરના વાસણ ગામ સ્થિત નિવાસસ્થાન ‘વસંત વેગડા’ ખાતે બેઠક શરૂ થઈ છે, જેમાં ગુરુદાસ કામત, ભરતસિંહ સોલંકી અને સિદ્ધાર્થ પટેલની ઉપસ્થિતિમાં શેષ ૨૧ વોર્ડના ઉમેદવારોની પસંદગી હાથ ધરાશે. જોકે અમદાવાદ કોર્પોરેશનના કોંગ્રેસના ઉમેદવારોના નામની જાહેરાત કોંગ્રેસ હાઈકમાન્ડ વિલંબથી કરશે તેવી શક્યતા છે. સુરત કોર્પોરેશનના નામોથી કોંગ્રેસની શરૂઆત થશે તેવી ચર્ચા ઊઠી છે. દરમિયાન જમાલપુર બેઠક પરથી અતિયાશેખ, અફસાના ચિશ્તી, મુસ્તાક ખાદીવાલા, સરફરાજ શેખના નામની ચર્ચા ઉઠી છે.
કોંગ્રેસ હાઈકમાન્ડે ઉમેદવારોની પસંદગી વખતે તેમનું શિક્ષણ, સ્વચ્છ પ્રતિભા, પક્ષ પ્રત્યેની વફાદારી ઉપરાંત પક્ષના કેટલા કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહ્યા તે બાબતની પણ ગંભીરતાથી નોંધ લીધી હોઈ આ વખતે લેભાગુ આગેવાનો-કાર્યકરોનું ખાસ કશંુ ઉપજવાનું નથી તેવું ચિત્ર સ્પષ્ટ બન્યું છે.