ગુજરાતમાં બે તબક્કે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રથમ તબક્કો આવતીકાલે રવિવારે છે. ૬ મહાનગરોમાં રવિવારે મતદાન હોવાથી ચૂંટણી પંચના નિયમ મુજબ જાહેર પ્રચાર ગઈકાલે સાંજે બંધ થયેલ. હવે આવતીકાલના મતદાન આડે માત્ર આજનો દિવસ રહ્યો છે. જાહેર પ્રચાર બંધ થયા બાદ ઉમેદવારો અને રાજકીય પક્ષોએ છેલ્લી ઘડીની દોડધામ આદરી છે. આવતીકાલે સવારે ૮ થી ૫ વાગ્યા સુધી મતદાન છે. તે પૂર્વે આજે કતલની રાતે રાજકીય ઉથલપાથલ માટે લડવૈયાઓએ એડીચોટીનુ જોર લગાવ્યુ છે. ગુજરાતમાં રાજકોટ, જામનગર, ભાવનગર, અમદાવાદ, વડોદરા, સુરત સહિત ૬ મહાનગરોમાં ચૂંટણી યોજાનાર છે. જેના માટે તા. ૨ થી ૭ નવેમ્બર સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ હતી. તા. ૧૦મીએ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયેલ. દિવાળી પછી ચૂંટણી પ્રચારમાં વેગ આવ્યો હતો. તહેવારોને કારણે જાહેર પ્રચારના દિવસો ઓછા પડયા હોવાથી ઉમેદવારોએ વિશેષ દોડધામ કરવી પડી હતી. પાટીદાર ફેકટર, મોંઘવારી, ભ્રષ્ટાચાર, પાણી વગેરે પ્રચારના મુખ્ય મુદ્દા રહ્યા છે. રાજ્યમાં ભાજપ-કોંગ્રેસ-એનસીપી અન્ય પક્ષો અને અપક્ષો મોટા પ્રમાણમાં લડી રહ્યા છે. મુખ્ય સ્પર્ધા શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે છે. પ્રચારમાં વિકાસ, ભ્રષ્ટાચાર, મોંઘવારી વગેરે મુદ્દા ઉછળ્યા છે. ઉમેદવારોએ જાહેરસભા, જ્ઞાતિગત સંમેલનો, રેલીઓ, પત્રિકાઓ, વાહનોમાં જાહેર પ્રચાર, અખબારી જાહેરાતો વગેરે માધ્યમોનો ઉપયોગ કર્યો છે.ગુજરાતના ૬ મુખ્ય શહેરોમાં આવતીકાલે મતદાન છે. જેના મતદારોની કુલ સંખ્યા ૯૫ લાખથી વધુ છે. શહેરી ક્ષેત્રે જનાદેશ મેળવવાનો આવતીકાલે ઐતિહાસિક અવસર છે. કાલે મતદાન થયા બાદ પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીનું મતદાન તા. ૨૯મીએ થશે. તમામ પરિણામ તા. ૨ ડીસેમ્બરે આવશે