Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત કૉંગ્રેસ : ખેડૂતો, યુવાનોને રીઝવવા ગુજરાત કૉંગ્રેસ મેદાને, મફત વીજળી અને રોજગારીના કર્યા વાયદા

jagdish thakore
, શુક્રવાર, 12 ઑગસ્ટ 2022 (15:31 IST)
ગુજરાતમાં આગામી થોડા સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેને ધ્યાને લઈને આમ આદમી પાર્ટી બાદ ગુજરાત કૉંગ્રેસે પણ મતદારોને રીઝવવા ચૂંટણીમેદાનમાં ઝંપલાવ્યું છે.
 
શુક્રવારે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારપરિષદ યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને કેટલીક જાહેરાતો કરી હતી.
 
આ જાહેરાતોમાં તેમણે રાજ્યમાં તમામ ખેડૂતો માટે દસ કલાક મફત વીજળી પૂરી પાડવાના વાયદો કર્યો હતો. તેમજ ત્રણ લાખ ખેડૂતોનાં દેવાં માફ કરવાની પણ વાત કરી હતી.
 
ઉપરાંત ખેડૂત સહાયકેન્દ્ર ઊભાં કરવાના, ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાના, સિંચાઈના દરોમાં 50 ટકા ઘટાડો, માલધારીઓને પ્રતિલિટર દૂધ માટે પાંચ રૂપિયાની સબસિડી, રાજ્યના તમામ માલધારીને ખેડૂતોનો દરજ્જો આપવાના અને જમીનની પુન: માપણી કરવાના વાયદા જાહેર કર્યા હતા.
 
આ સાથે શિક્ષિત બેરોજગારો માટે રોજગાર સુનિશ્ચિત કરવાની વાત પણ તેમણે કરી હતી.
 
નોંધનીય છે કે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ઘણી બધી સગવડો મફત આપવાની જાહેરાત કરાઈ હતી. જે બાદ હવે આ સિલસિલામાં કૉંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. જોકે, સુપ્રીમ કોર્ટે 'વોટ મેળવવા માટે મફત સુવિધા આપવાની બાબતને ચિંતાજનક' ગણાવી હતી. જેના કારણે આ સમગ્ર મુદ્દો ચર્ચામાં આવ્યો હતો.
 
અગાઉ આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાતમાં મફત વીજળી અને મહિલાઓને મહિલાઓનો સહકાર મેળવવા માટે પ્રતિમાસ એક હજાર રૂપિયાની સન્માન રાશિ આપવાનો વાયદો કર્યો હતો.
 
ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં મફત સુવિધાઓ આપવાની જાહેરાતોની ટીકા કરી હતી. તેમણે હાલમાં હરિયાણામાં કહ્યું હતું કે, 'રાજકીય લાભ માટે શૉર્ટકટ અપનાવીને સમસ્યાને ટાળવાની આ પ્રવૃત્તિ છે. સમસ્યાનું સ્થાયી સમાધાન નથી કરતા. શૉર્ટકટવાળાને કેટલાક સમય માટે વાહવાહી મળે, રાજકીય ફાયદો ભલે મળે પણ સમસ્યા ઓછી થતી નથી. શૉર્ટકટની જગ્યાએ અમારી સરકાર સ્થાયી સમાધાન શોધે છે.'

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદની સાબરમતી નદીમાં નર્મદાનું પાણી છોડાશે, સાબરમતી આસપાસના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા