વિકાસના મુદે ચૂંટણી લડો - મેનકા ગાંધી
સોનિયાનો મોતના સૌદાગર શબ્દ આફતનું પોટલું - મેનકાજી
વડોદરા(વેબદુનિયા) ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાલ રાજકીય ભાષણોમાં વપરાતા શબ્દોના ચાલી રહેલા વિવાદમાં સોનિયા ગાંધીએ ઉચ્ચારેલ મોતના સૌદાગર શબ્દને આફતનું પોટલું ખોલવા સમાન ગણાવી મેનકા ગાંધીએ ચૂંટણીમાં આક્ષેપ પ્રતિ આક્ષેપોના મારાની જગ્યાએ વિકાસના મુદ્દે ચર્ચા હોવી જોઈએ તેવો મત વ્યકત કર્યો હતો. ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી અને ભાજપના સાંસદ મેનકા ગાંધીએ તેમના પુત્ર વરૂણ ગાંધી સાથે વડોદરામાં એક ચૂંટણી સભાને સંબોધવા આવ્યા હતા.
મેનકા ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર તરીકે લાલકૃષ્ણ અડવાણીનું નામ જાહેર કરવાના પક્ષના નિર્ણયનું સમર્થન કર્યું અને કહ્યું હતું કે, અડવાણી ખૂબ લોકપ્રિય નેતા હોઈ તેમની પસંદગી યોગ્ય જ છે.
મેનકાએ કહ્યું કે, દરેક જાણવા માંગતા હતા કે ભાજપ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કોનું નામ જાહેર કરે છે અને તેથી જ પક્ષે તેમનું નામ જાહેર કર્યું હતું. આ જાહેરાતને ગુજરાતની ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નથી.
તેમના પુત્ર વરૂણ ગાંધીએ ગોધરા કાંડ બાદ થયેલા તોફાનોની નિંદનીય જણાંવી લોકોને ભૂતકાળને ભૂલીને વિકાસ તરફ ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી હતી.
નરેન્દ્ર મોદીના ડરથી અડવાણીનું નામ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું હોવાની વડાપ્રધાન મનમોહન સિંહની ટીપ્પણી ઉપર મેનકા પોતાનું હસવું રોકી શક્યા નહતા.
આ સમયે તેઓએ દેશ પર ગમે તે ઘડીએ લોકસભાની ચૂંટણી આવે તેવી સંભાવના વ્યકત કરી હતી. જેની સાથે કેન્દ્ર સરકાર દ્વારા રાજયોને આપવામાં આવતી સહાય પર કરાતી ટિપ્પણીઓની ટિકા કરી તેઓએ કેન્દ્ર સરકાર રાજય સરકારને કોઈ પણ સહાય ભેટ તરીકે નથી આપતી તેમ જણાવી નારાજગી વ્યકત કરી હતી.
શહેરમાં ભાજપના ઉમેદવાર યોગેશ પટેલના પ્રચાર અર્થે આવેલ મેનકા ગાંધીએ ગઇકાલે તેમના જીવનમાં પ્રથમ વખત પુત્ર વરૂણ ગાંધી સાથે એક મંચ પર રાજકીય પ્રચાર કરવાની તક મળી હોવાનો આનંદ વ્યકત કર્યો હતો. આ સમયે પત્રકાર પરીષદને સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે ચૂંટણીઓ વિકાસના મુદ્દે લડાવી જોઈએ.
જેમાં હાલ મોતના સૌદાગર અને સોહરાબુદ્દીનના એન્કાઉન્ટરના મુદ્દે ચાલી રહેલ વાકયુધ્ધને કમનસીબ ગણાવ્યું હતું. જોકે આ વિવાદમાં સોનિયા ગાંધી દ્વારા ઉચ્ચારવામાં આવેલ મોતના સૌદાગર શબ્દને આફતના પોટલા સમાન ગણાવ્યો હતો.
મેનકાએ કેન્દ્રએ ફાળવેલા નાણાંનો જુદાજુદા પ્રોજેક્ટોમાં યોગ્ય ઉપયોગ કરવા બદલ ગુજરાત સરકારની પ્રશંસા કરી હતી.