ભાજપની ઘટી રહેલી લોકપ્રિયતા
બુકીઓના અંદાજ પ્રમાણે થયેલા સર્વેની રિપોર્ટ
પ્રથમ તબક્કાનું જે વિસ્તારોમાં મતદાન થવાનું છે તે મતવિસ્તારોમાં 9મી ડિસેમ્બરના સાંજના પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ ગયો છે. . આ તબક્કાની બેઠકો ઉપર કોંગ્રેસનું પ્રભુત્વ હોવાનું કહેવાય છે. દરમિયાનમાં આ ચૂંટણીમાં ક્યા પક્ષને કેટલી બેઠકો મળશે તે બાબત સટ્ટા બજારમાં ઝડપથી આંક ફેર થઈ રહ્યા હોવાનું જાણવા મળે છે. ભાજપની લોકપ્રિયતાનો આંક ઝડપથી નીચે ઉતરી રહ્યો છે અને કોંગ્રેસની તકો ઝડપથી વધી રહી હોવાના સટ્ટા બજારમાં અનુમાનો થવા લાગ્યા છે. કહે છે કે, ભાજપની જીત અંગે સટ્ટો રમવાનું હવે સલામત મનાયું નથી. બુકીઓમાં શાસક પક્ષ ભાજપની લોકપ્રિયતાનો આંક ઝડપથી ગગડવા લાગ્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ રાજ્યના પન્ટરોનો જીવ અધ્ધર રાખી રહ્યા છે. ચૂંટણી હવે ખૂબ જ નજીક આવી પહોંચી છે ત્યારે સટ્ટાના રેટમાં ઝડપથી ચડઉતર થઈ રહેલી જોવા મળે છે.
કોંગ્રેસ ભાજપને પાછળ રાખીને મેદાન મારી રહી છે. સટ્ટાબજારમાં કોંગ્રેસ માટેના સરકાર રચવાની તકો એકદમ ઝડપથી વધી રહેલી જોવા મળે છે. અમદાવાદના એક આગળ પડતા બુકીના જણાવ્યા પ્રમાણે હવે બંને પક્ષો ગળાકાપ સ્પર્ધામાં જોવા મળે છે અને કોણ જીતશે તેની આગાહી કરવાનું કામ મુશ્કેલ બનતું જાય છે. સોનિયા ગાંધીએ ગુજરાતમાં આવીને ચૂંટણી સભાઓ સંબોધી તે પછી ભાજપની તકોનો ગ્રાફ અત્યંત ઝડપથી નીચે ઉતરવા લાગ્યો છે. તેમ આ બુકીએ જણાવ્યું હતું.
ભાજપની 90 બેઠકોના ભાવ 15થી 90 પૈસા ચાલતો હતો અને 125 બેઠકોનો ભાવ 2-50થી 3-50 રૂપિયા ચાલતો હતો. આ ભાવ બુધવારના છે. નરેન્દ્ર મોદી અને ભાજપ વિરુદ્ધ કેશુભાઈ પટેલે કરેલા નિવેદનો અને તે સાથે જ સોનિયા ગાંધીની રેલીઓમાં જંગી પ્રમાણમાં લોકોની રહેતી હાજરીના પરિણામે ભાજપ સત્તા પર આવે તેના ભાવ વધારવા બુકીઓને ફરજ પડી હોવાનું કહેવાય છે. બુધવારે 90 બેઠકો માટેના જે ભાવ 15થી 18 પૈસા હતા તે ગુરુવારે એટલી જ બેઠકો માટે 28થી 32 પૈસા થઈ ગયા હતા. સટ્ટાબજારમાંના વર્તુળોના જણાવ્યા પ્રમાણે ભાજપ માટેનો 90 બેઠકોનો ભાવ 28થી 32 પૈસા થઈ ગયા છે. 100 બેઠકો માટેનો ભાવ 78થી 85 પૈસા થઈ ગયો છે અને 125 બેઠકો માટેનો ભાવ 5થી 6 રૂપિયા થઈ ગયો છે. બુકીઓના જણાવ્યા પ્રમાણે ભાજપ માટે આ વલણ તંદુરસ્ત નથી કારણ કે, દરોમાં વધારો સ્પષ્ટ જીત મેળવવાની પક્ષની સ્થિતિમાં ઘટાડો થઈ રહ્યો છે.