દ.ગુજરાતમાં પરિસ્થિતિ અચોક્ક્સ
ભાજપ માટે ન ફાયદા,ન નુકસાન
અમદાવાદ(વેબદુનિયા) દક્ષિણ ગુજરાત પણ પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને છેલ્લી ચૂંટણીમાં પણ આ ગઢ સચવાયો હતો. આ વખતે પણ સ્થિતિ એવી જ રહેશે અને ભાજપ-કોંગ્રેસ બરોબરિયાં સાબિત થશે એવું જણાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, ભરૂચ, ડાંગ, નવસારી જિલ્લાની કુલ 29 બેઠકો છે અને તેમાંથી ભાજપને 14 બેઠકો અને કોંગ્રેસને 13 બેઠકો મળશે એવું વાચકો માને છે. બે બેઠકો અન્ય પક્ષને મળશે. આ અન્ય પક્ષ એટલે? જનતાદળ(યુ) ડેડિયાપાડા અને ઝઘડિયામાંથી જીતતા છોટુભાઈ વસાવા અને મહેશ વસાવા વખતે પણ જીતી જશે.
ભાજપની સુરતની પાંચમાંથી 4 બેઠકો પર જીત પાકી મનાય છે, જ્યારે મોદીવિરોધી ધીરુ ગજેરા લડે છે તે સુરત(પૂર્વ)ની બેઠક અંગે ફિફ્ટી-ફિફ્ટી છે. અા ઉપરાંત નવસારી, વલસાડ, ચીખલી, જલાલપોર, વલસાડ, ભરૂચ, અંકલેશ્વર જેવા શહેરી વિસ્તારોમાં પણ ભાજપની જીત પાકી મનાય છે. કોંગ્રેસ આદિવાસી વિસ્તારોમાં તેનો પ્રભાવ જાળવશે. ભાજપ સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતમાં તેને જે નુકસાન થશે તે દક્ષિણ ગુજરાતમાંથી કંઈક અંશે સરભર થશે એવી જે આશા રાખે છે તે ફળે એવી શક્યતા ઓછી છે.