ગુજરાતના ધારાસભ્યોની 17મીએ શપથવિધિ
18મી જાન્યુઆરીએ નવા સ્પીકરની વરણી થશે
ગાંધીનગર (વેબદુનિયા) ગુજરાતની વિધાનસભાની ચૂંટણી-2007માં ચૂંટાયેલા તમામ ધારાસભ્યોની શપથવિધિ અને નવા અધ્યક્ષની વરણી માટે આગામી 17 અને 18મી જાન્યુઆરીએ દિવસ માટે વિધાનસભાની બેઠક બોલાવવાની બાબતને આજે મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ 17મી જાન્યુઆરીના રોજ વિધાનસભામાં સૌપ્રથમ ગૃહનાં નેતા તરીકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ત્યાર બાદ વિપક્ષના નેતા સોગંદ લેશે. એ પછી વિધાનસભાની બેઠકોના ક્રમાનુસાર તમામ ધારાસભ્યોની શપથવિધિ યોજાશે. દરેક ધારાસભ્યએ વિધાનસભા સચિવ સમક્ષ હસ્તાક્ષ કરવાના રહેશે. તેમજ પ્રમાણપત્ર જમા કરાવવાનું રહેશે.
નોંધનીય છે કે, 17મીના પ્રથમ દિવસે સોગંદવિધિ પ્રોટેમ સ્પીકર ના હસ્તક થશે. પ્રોટેમ સ્પીકર તરીકે દોલત દેસાઈની વરણી થઈ ચૂકી છે અને એટલે હવે પ્રોટેમ સ્પીકર તરીકે દોલત દેસાઈનો ટૂંકો શપથવિધિ સમારંભ રાજભવન ખાતે યોજાશે. વિધાનસભા સત્રના બીજા દિવસે એટલે કે 18 જાન્યુઆરીનાં રોજ સત્તાવાર રીતે નવા અધ્યક્ષ (સ્પીકર)ની વરણી થશે. અધ્યક્ષ તરીકે ચૂંટણી કરવાને બદલે વિધાનસભામાં શાસક-વિપક્ષ વચ્ચે સાનુકૂળ વાતાવરણ રહે તે માટે વિપક્ષના નેતા જ અધ્યક્ષના નામની અગાઉથી નક્કી થયા મુજબ દરખાસ્ત મૂકતા હોય છે.
અગાઉ વિધાનસભામાં 13 ધારાસભ્યો સ્પીકર તરીકેનો હોદ્દો સંભાળી ચૂક્યા છે. નવા સ્પીકર જે કોઈ બનશે તેઓ 12મી વિધાનસભાના 14મા સ્પીકર બનશે. ઉલ્લખેનીય છે કે સ્પીકર પદના મામલે ભાજપમાં પ્રવાહી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. આમ છતાં પણ સ્પીકર તરીકે ભાજપમાં સિનિયર ધારાસભ્ય અશોક ભટ્ટની નિમણૂક થશે એવી સંપૂર્ણ શક્યતા છે.