ઉત્તર ગુજરાત ભાજપનો ગઢ છે અને આ વખતે ભાજપનો બધો મદાર ઉત્તર ગુજરાત પર છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અસંતુષ્ઠોની અસર અને મધ્ય ગુજરાતમાં હિન્દુત્વની અસરમાંથી બહાર નીકળી ગયેલા મતદારોને કારણે ભાજપને જે નુકસાન થવાની ધારણા છે તે નુકસાન થોડા ઘણા અંશે ઉત્તર ગુજરાતમાંથી સરભર થઈ જશે એવી ભાજપને આશા છે. 2002ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની બાવન બેઠકોમાંથી ભાજપને 33 અને કોંગ્રેસને 19 બેઠકો મળી હતી. ઉત્તર ગુજરાતની બેઠકોમાં અમદાવાદ શહેર જિલ્લાની 10 બેઠકો પણ આવી જાય છે અને આ બેઠકો પર ભાજપ અત્યંત મજબૂત છે.
અમદાવાદ શહેરની 12 બેઠકોમાંથી 10 બેઠકો અત્યારથી જ ભાજપના ખાતામાં લખાઈ ગયેલી મનાય છે. જમાલપુરમાં કોંગ્રેસનો સિક્કો છે. એ સિવાય કોંગ્રેસ બીજી એકાદ બેઠક આંચકી જશે. ઉત્તર ગુજરાત નરેન્દ્ર મોદીનો વિસ્તાર છે અને સામે કોંગ્રેસના સૌથી શક્તિશાળી નેતા મનાતા શંકરસિંહ વાઘેલાનો પણ મતવિસ્તાર છે. મોદીએ આંજણા મતદારોને આકર્ષવા વિપુલ ચૌધરીને પડખામાં લીધા છે અને ટિકિટ આપી છે. ભાજપને તેનો ફાયદો મળશે. આ ઉપરાંત નર્મદાનાં પાણી ઉત્તર ગુજરાતમાં ગામડે-ગામડે પહોંચ્યાં તેનો ફાયદો પણ મોદીને મળશે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ નધણિયાતી છે અને કોઈ શક્તિશાળી નેતા જ નથી. કોંગ્રેસમાં સૌથી વરવી જૂથબંધી ઉત્તર ગુજરાતમાં છે. મહેસાણામાંથી નરેશ રાવલને ટિકિટ આપવા સામે નટવરલાલ પિતાંબરદાસના સમર્થકોએ કરેલી તોડફોડ તેનો પુરાવો છે. આ વખતે ભાજપની બેઠકોમાં 4નો વધારો થશે એવું વાચકો માને છે. ભાજપ 37 બેઠકો પ અને કોંગ્રેસ 15 બેઠકો પર અટકી જશે.