અમદાવાદ (વેબદુનિયા) હિન્દુ હિતોની રક્ષાનો દાવો કરતાં સંગઠન વિશ્વ હિન્દુ પરિષદમાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો આપવાના મુદ્દે ચાલી રહેલા આંતરિક "મહાભારત' વચ્ચે શહેરની મુલાકાતે આવેલા પંચપીઠાધિશ્વર ધર્મેન્દ્ર મહારાજે દેશને વિભાજીત થતો અટકાવવા માટે આતંકવાદ સામેની લડાઈને મજબૂત કરવા હાકલ કરી હતી.
પોતાને વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ પરિવારના "મંજૂર' લેખાવતા ધર્મેન્દ્ર મહારાજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આજે લડાઈ દેશભક્તિ અને દેશદ્રોહ વચ્ચેની છે. આપણે આતંકવાદ સામે અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છીએ. આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે આતંકવાદીઓની કૃપા ઉપર જીવવું પડે છે. બારૂદના "ઢેર' ઉપર બેઠા છીએ. ભારત વર્ષ સુરક્ષિત નથી. જેમ વિકાસ અને સમૃદ્ધિ વધી રહી છે તેમ દીકરી વેચનારી માતાઓ પણ આજે હાજર છે. તેઓ પોતે હિન્દુત્વ સાથે સહમત હોવાનો અને મદિર પરના હુમલાને હિન્દુત્વ પરના હુમલા સમાન ગણાવી જણાવ્યું હતું કે બાબર - ઔરંગબેઝની આત્માઓ આજે જીવિત છે અને વિશ્વમાં વિસ્ફોટ કરવા બેઠી છે તેની સામે યુદ્ધ ચાલુ રાખવું પડશે.
આચાર્ય ધર્મેન્દ્ર મહારાજના પત્નીનું તાજેતરમાં જ અવસાન થયું હતું. તેઓએ કહ્યું હતું કે હું ગોધરાકાંડમાં અસર પામેલા હર્ષદ પંચાલની દીકરીના લગ્નમાં આશીર્વાદ આપવા આવ્યો છું.
ધર્મેન્દ્ર મહારાજને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા પરિવારમાં તમારી જ પુત્રવધૂ કોંગ્રેસની ચૂંટાયેલી વિધાયક છે, ત્યારે તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને વ્યક્તિ સ્વાતંત્ર્યની વાત કહીને મુદ્દાને ફગાવી દીધો હતો
ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્ર મોદી માટે પ્રચાર કરવાના છો, તેવા પ્રશ્નનો મુત્સદીગીરીથી જવાબ આપતાં ધર્મેન્દ્ર મહારાજે જણાવ્યું કે હું ગુજરાતનો ભાગ છું. હાલમાં સંતોને મળી રહ્યો છું મને લાગશે કે મારી અહીં જરૂર છે તો હું જરૂરથી રોકાઈશ.