2002ની ચૂંટણીમાં મધ્ય ગુજરાતે ભાજપની આબરૂ સાચવી હતી અને મોદીની ઝોળી મતોથી છલકાવી દીધી હતી. ભાજપે 43માંથી 39 બેઠકો મળીને કોંગ્રેસનો સફાયો કરી દીધો હતો. કોંગ્રેસને માત્ર 4 બેઠકો મળી હતી અને તેનાં ડોઘલાં ડૂલ થઈ ગયાં હતાં. આ વખતે મધ્ય ગુજરાતમાં આવું કાંઈ મોજું નથી અને તેની અસર ભાજપી બેઠકો પર પડશે એવું પ્રિ-પોલ સર્વેના વાચકો માને છે.
આ વખતે ભાજપ 43માંથી 25 અને કોંગ્રેસ 18 બેઠકો મેળવશે એવી આગાહી કરાઈ છે. મધ્ય ગુજરાતમાં ભાજપને જે ફટકો પડશે તે બહુ મોટો હશે અને ભાજપે ઓછામાં ઓછી 14 બેઠકો ગુમાવવી પડે એવી સ્થિતિ છે. સામે કોંગ્રેસની 14 બેઠકો વધશે. મધ્ય ગુજરાત પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહ્યો છે, પણ ભાજપે ગઈ વખતે આ ગઢ ધરાશાયી કરી દીધો હતો. ભાજપને કોમી રમખાણો ફળ્યાં હતાં અને કોંગ્રેસે ઊભી કરેલી મતબેંક ભાજપની મતબેંક થઈ ગઈ હતી. આ વખતે ભાજપની બેઠકો ઘટશે પણ કોંગ્રેસને જૂની સ્થિતિએ પહોંચતા હજુ વાર લાગશે. કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી મધ્ય ગુજરાતના છે તેનો પણ લાભ મળશે. ભાજપ આ વખતે 126 પરથી 105 બેઠકો પર ઉતરી આવશે તેના મૂળમાં મધ્ય ગુજરાત હશે.