Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેમ ગુજરાતીઓ મોદીને પસંદ કરે છે ?

કેમ ગુજરાતીઓ મોદીને પસંદ કરે છે ?

વેબ દુનિયા

, મંગળવાર, 25 ડિસેમ્બર 2007 (14:39 IST)
- જનકસિંહ ઝાલ
'
P.R
ગુજરાતની સાડા પાંચ કરોડ જનતાનો આભારી છું' એ જ કહેવાનું હતું એ મહાનાયકનું જેણે તમામ અટકળોને પાછળ છોડીને પોતાના બળે ગુજરાતમાં ફરીથી ભારતીય જનતા પાર્ટીનો વાવટો લહેરાવ્યો. તેની પાસે ન હતો ભાજપના અગ્ર દિગ્ગજોનો સાથ અને ન હતું રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું સમર્થન છતાં પણ આ 57 વર્ષીય વ્યક્તિ કોંગ્રેસના પંજાઓમાંથી પોતાના કમળને સુરક્ષિત બચાવવામાં સફળ રહ્યો.

એક નાનકડા રેલવે સ્ટેશન પર ચા વેચવાથી લઈને ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી પદે રહેનારા નરેન્દ્ર મોદીએ એકવાર ફરી પોતાની ચતુરરણનીતિનો રાજકીય વિરોધીઓને પરિચય આપ્યો.

મોદીએ એક ક્રિકેટર બનીને રાજનીતિમાં હેટ્રિક રચી. મોદીની ટીમમા કોઈ અન્ય ખેલાડી ન હતાં અને ખુદ તેના જ ખેલાડી(અસંતુષ્ટો) હરીફ ટીમમાં જોડાઈ ગયાં હતાં. દર્શક હતી ગુજરાતની સાડા પાંચ કરોડની જનતા. ગુજરાતની ચૂંટણીમાં કુલ 182 સીટોમાંથી 117 સીટો પર કબ્જો કરીને મોદી મેન ઓફ ધ મેચ બન્યાં. આ વિજય મોદીના આત્મવિશ્વાસ તેમની વિચારશૈલી, બૉડી લૈંગ્વેજ, તેમની કાર્યપ્રણાલી અને મતદાતાઓના મસ્તિસ્કમાં વસેલી તેમની છાપના પરિણામ હતી.

મોદીએ અંત સુધી સ્વયંને ગુજરાતની અસ્મિતા અને વિકાસના મુદ્દા સાથે જોડીને ગુજરાતના દરેક નાગરિકની સામે રજૂ કર્યા અને આ વાત જ તેમને સફળતા શિખર સુધી લઈ ગઈ.

webdunia
P.R
કોંગ્રેસની ચૂંટણી રણનીતિ કંઈક અલગ હતી. તેણે અંત સુધી નરેન્દ્ર મોદી પર પોતાનું નિશાન સાધ્યું. રાષ્ટ્રીય સ્તર પર ચાલી રહેલા તેમના તમામ ચૂંટણી પ્રચાર-પ્રસારમાં નરેન્દ્ર મોદી અને તેમની સાથે જોડાયેલા વિવાદો પર જ તેમનો પ્રહાર રહ્યો જેના પરિણામસ્વરૂપ કોંગ્રેસ ગુજરાતના લોકોની ભાવના સમજવામાં નિષ્ફળ રહી.

સત્તાથી સરમુખત્યારશાહીને ઉખાડી ફેકવાના નિવેદન કરનારા ભાજપના બાગી નેતાઓ કેશુભાઈ પટેલ કાશીરામ રાણા, વલ્લભભાઈ કથીરિયા, ગોરધન જડફિયા, સિદ્ધાર્થ પટેલ, જીતૂ મહેતા સહિત તમામને મોદીએ ઘણા પાછળ છોડી દીઘા.

સૌરાષ્ટ્રમાં અસંતુષ્ટ જુથ પૂરી રીતે હાવી હતું. મોદી સરકારને આ વિસ્તારમાં કેશુભાઈના પ્રભુત્વ, પટેલ વાદ વગેરે મુદ્દાઓ સામે ઝઝુમવાનું હતું પરંતુ અંતે તેઓ આ યુદ્ધ જીતવામાં સફળ રહ્યાં. મોદીએ નકારાત્મકતાની રાજનીતિ રમનારા તમામ અસંતુષ્ટોને પણ પોતાની જીત માટે અંતે ધન્યવાદ પાઠવ્યાં.

ગુજરાતમાં રાહુલનો રોડ શો કરનારી કોંગ્રેસ સાચે જ રોડ પર ઉતરી ગઈ. દિનશા પટેલનો દિવસ ખરાબ રહ્યો. જ્ઞાતિવાદના લીરા ઉડી ગયાં અને બાગી નેતાઓનો બકવાસ બિલકુલ ન ચાલ્યો. કદાચ તેમના પરાજય પાછળ જાતિવાદ પ્રમુખ કારણ રહ્યું.

અંતમાં વિજયનો સ્વાદ ચાખવા માટે ભાજપના વરિષ્ઠ નેતા પણ ગોળમાં જેમ માંખીઓ ઉમટી પડે તેમ ઉમટી પડ્યાં. જેઓએ અગાઉ મોદી સાથે પરોક્ષ રીતે છેડો ફાડી નાખ્યો હતો તેઓ પાછળથી મોદીના ના ઢગલા મોઢે વખાણ કરવા લાગ્યાં.

વાજપેયીએ મોદીને ફોન પર શુભેચ્છા પાઠવી. અડવાણીએ મોદીની જીતને 1974 મેં થયેલી સ્વ. ઇંદિરા ગાંધીની જીત સાથે સરખાવી પરંતુ પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ મોદીના ભરપૂર વખાણ કરવાને બદલે ભાજપની જીત પાછળ પાર્ટીની વિચારધારા અને રાજ્યમાં થયેલા વિકાસને વધુ મહત્વ આપ્યું.

કહેવામાં આવે છે કે, કેન્દ્રમાં ભાજપ માટે જોડાણની રાજનીતિનું ઘણુ મહત્વ છે પરંતુ ભાજપની તમામ સહયોગી પાર્ટી મોદીને ના પસંદ કરે છે. વર્તમાન ચૂંટણીઓમાં મોદીની જીતથી જાહેર થાય છે કે, ભવિષ્યમાં કેન્દ્રિય રાજનીતિમાં પણ મોદીનો હસ્તક્ષેપ વધશે કદાચ મોદીની નજર હવે દિલ્લીની ગાદી પર રહેશે. એવું માત્ર મારુ કહેવાનું નથી પરંતુ ખુદ મોદીના પ્રચારમાં પ્રચારિત થયેલો આ એસએમએસ પણ કહે છે. 'ગલી ગલી મેં નારા હૈ આજ ગુજરાત કલ દિલ્લી હમારા હૈ એક દેશ, એક શખ્સ ઔર એક નેતા નરેન્દ્ર મોદી'.

Share this Story:

Follow Webdunia gujarati