Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે ભાજપના 94 ઉમે.ની બીજી યાદી

94માંથી 70 બેઠકો સૌ પહેલાં જાહેર થવાની શક્યતા

આજે ભાજપના 94 ઉમે.ની બીજી યાદી
, સોમવાર, 24 ડિસેમ્બર 2007 (19:28 IST)
PRP.R

અમદાવાદ (એજંસી) આજે ૨૩મીના રોજ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની 95 બેઠકોમાંથી આશરે 94 બેઠકોના ઉમેદવારોની યાદી ભાજપ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. આજે બપોરે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, પ્રદેશ પ્રમુખ પુરુષોત્તમ રૂપાલા, સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા, દિલ્હી જવા રવાના થશે. દિલ્હીમાં આજે સાંજે કેન્દ્રીય પાર્લા. બોર્ડની બેઠક મળવાની છે.

95 બેઠકોમાં ભાજપ પાસે 74 બેઠકો છે, જેમાં 21 મંત્રીઓ અને વિધાનસભા અઘ્યક્ષનો સમાવેશ થાય છે. જ્યારે મોડી રાતે વહેતી થયેલી અટકળો મુજબ ભાજપ બે મંત્રીઓને પડતા મૂકવા સાથે 25થી વધુ ધારાસભ્યો પડતા મૂકી 60થી વધુ નવા ચહેરા મેદાનમાં ઉતારે એવી શકયતા છે. તમામે તમામ 94 ઉમેદવારોનાં નામો એક સાથે જાહેર થશે કે કેમ તે તો કેન્દ્રીય બોર્ડ ઉપર આધારિત છે. પ્રથમ તબક્કાની 87માંથી 74 બેઠકો પ્રથમ જાહેર થઈ અને 14 બેઠકો રાજકીય વ્યૂહરચનાના ભાગરૂપે રોકી રખાઈ તેવી કોઈ ગણતરી સાથે કેટલીક બેઠકોના ઉમેદવારો તે પછી પણ જાહેર થઈ શકે તેમ છે. પણ તમામ આધાર ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ઉપર છે.

આ દરમિયાન ભાજપના સૂત્રોએ જણાવ્યું કે, આજે યાદી દિલ્હીમાં રજૂ થયાં બાદ 94માંથી 70 બેઠકોના નામો સૌ પહેલાં જાહેર થવાની શક્યતા છે. પ્રથમ તબક્કાની બેઠકોની યાદી જાહેર થતાં જ પડતાં મૂકાયેલા ધારાસભ્યો પૈકી કેટલાકે બળવો કરીને ઉમેદવારી નોંધાવી છે. અસંતોષની આ અગનજવાળાને ધ્યાનમાં રાખીને ભાજપ આગળ વધવા માંગે છે.

ગોધરા ઉપરાંત આણંદ, રાધનપુર, એલિસબ્રિજ, નરોડા, શહેરકોટડાના ઉમેદવારોના નામો ત્યાર બાદ જાહેર થાય તેમ છે. આણંદના સીટિંગ ધારાસભ્ય સામે અપહરણનો કેસ છે. રાધનપુરના ધારાસભ્યની સામે ખાનગી ગોળીબારનો કેસ નોંધાયો છે. એલિસબ્રિજ બેઠક પ્રતિષ્ઠાભરી હોવાથી વિવાદ ન સર્જાય તે રીતે નામ જાહેર થાય. નરોડાની બેઠક વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પદાધિકારીને ફાળવવાની વિચારણા છે. શહેરકોટડા માટે ઉમેદવારો વધારે છે.

સૂત્રોએ જણાવ્યું કે 95માંથી એક બેઠકના ઉમેદવાર તરીકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ સૌથી પહેલા જાહેર કરવામાં આવ્યું છે. તેથી હવે 94 ઉમેદવારોનાં નામો જાહેર કરવાના થાય છે. પ્રથમ તબક્કાની 87 બેઠકોમાં ભાજપે 16 ધારાસભ્યોને પડતા મૂકયા હતા. બીજા તબક્કાની બેઠકો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વહેંચાયેલી છે.


અમદાવાદ શહેરમાં એલિસબ્રીજ, સાબરમતી, શહેર કોટડા, દરિયાપુર-કાજીપુર, અસારવા તથા નરોડાના વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કપાય તેવી અટકળો ભાજપના વર્તુળોમાં જૉરશોરથી થઇ રહી છે. નવા ચહેરાઓને ટિકિટ આપવા અંગે ભાજપ મોવડી મંડળ પણ ગંભીર હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

ભાજપે સિનિયરોને કાપીને મહિલાઓને ટિકિટ આપી દીધી છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વીસથી વધારે ધારાસભ્યો અને મંત્રીઓને કાપવાના મૂડમાં હતા. પરંતુ પક્ષ અને કાર્યકરોના દબાણને કારણે કેન્દ્રીય બોર્ડે હજુ તેમના આ પગલાને સ્વીકાર્યું ન હતું. બીજી તરફ પક્ષ પાસે અમુક બેઠકો માટે સબળ ઉમેદવાર જ ન મળતાં નાછુટકે મર્યાદિત સંખ્યામાં કાતર ચલાવવી પડી છે.

Share this Story:

Follow Webdunia gujarati