Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ડાયનાસોર મ્યુઝિયમ: ગુજરાતીઓને મળ્યું હરવા ફરવાનું નવું સરનામું, અહીં આવેલો છે દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક

ડાયનાસોર મ્યુઝિયમ: ગુજરાતીઓને મળ્યું હરવા ફરવાનું નવું સરનામું, અહીં આવેલો છે દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક
, મંગળવાર, 28 જૂન 2022 (11:33 IST)
ડાયનાસોર પાર્ક સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી ગુજરાતની વધુ એક અજાયબી, વૈશ્વિક પ્રવાસનના નકશા પર ચમકશે વિશ્વનો ત્રીજા ફોસીલ પાર્ક
webdunia
દેશના સૌપ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક રૈયોલી ખાતે ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-રનું મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલ તા. ૨૬મી જૂને લોકાર્પણ કર્યું હતું. મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ૧૧ કિલોમીટરના અંતરે આવેલ રૈયોલી ખાતેના દેશના સૌ પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસીલ પાર્ક ખાતે રૂા. ૧૬.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ ડાયનાસોર મ્યુઝિયમ ફેઝ-રમાં અદ્યતન ટેકનોલોજીના આધારે મહાકાય ડાયનાસોરના ઉદ્દભવ અને નાશ સુધીના ઇતિહાસની જાણકારી મળી રહેશે. 
 
દેશ-વિદેશના પ્રવાસીઓ, સંશોધકો અને વૈજ્ઞાનિકો સહિત ફોસીલ પાર્કની મુલાકાતે આવતા શાળાના બાળકોથી માંડી ડાયનાસોરની સૃષ્ટિના અભ્યાસમાં રસ ધરાવતા તજજ્ઞો, પુરાતત્વવિદો, સંશોધકોને આ જીવાષ્મીની અનેક વાતો- ગાથાઓ જાણવા મળે તે માટે આ મ્યુઝીયમમાં પ-ડી થિયેટર, ડિજીટલ ફોરેસ્ટ, ૩૬૦ ડિગ્રી વર્ચ્યુઅલ રિયાલીટી, એકસપેરીમેન્ટ લેબ, સેમી સકર્યુલેશન પ્રોજેકશન, મુડલાઇટ, ૩-ડી પ્રોજેકશન મેપીંગ અને હોલોગ્રામ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. 
webdunia
રૈયોલીની મુલાકાતે આવતા પ્રવાસીઓ, સંશોધનકર્તા તથા પેલિયોન્ટોલોજિસ્ટને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તથા એક આકર્ષણનું કેન્દ્ર બની રહે તે હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૈયોલી-બાલાસિનોર ખાતે ભારત સરકારના પ્રવાસન વિભાગની રૂા. ૩૪૫ લાખની અને રાજય સરકારની ગ્રાન્ટ મળી કુલ રૂા. ૫૭૧.૩૩ લાખના ખર્ચે વિવિધ સુવિધાઓ સાથે ટુરિસ્ટ ઇન્ફોર્મેટીક સેન્ટર, જ્યારે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અગાઉ તૈયાર કરવામાં આવેલ ઇન્ટરપ્રીટેશન સેન્ટરની અંદર ડાયનાસોર માટેના મ્યુઝિયમ ફેઝ-૧ રાજય સરકારની રૂા. ૭૦૩.૦૦ લાખની ગ્રાંટમાંથી તૈયાર કરવામાં આવ્યું હતું. 
webdunia
અત્રે ઉલ્લેખનીય છે કે, રૈયોલી-બાલાસિનોર ખાતે તેયાર કરવામાં આવેલ મ્યુઝિયમ ફેઝ-૧માં રીયલ સાઇઝ તથા સ્કેલ મુજબનો રાજાસ્વરસના ડાયનાસોરનું સ્ટેચ્યુ, સ્કેલડાઉન કરેલા વિવિધ ૨૫ થી ૩૦ ડાયનાસોરના સ્ટેચ્યુ, ૩-ડી સ્ટીરિયો સ્કોપીક થિયેટર, વર્ચ્યુઅલ રિયાલિટી, ૩-ડી પ્રોજેકશન મેપીંગ, ઇન્ટર એકટીવ ટચ સરફેસ, ગુજરાત, ભારત તથા દુનિયાભરના ડાયનાસોરની વિગત દર્શાવતા રૂમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ડાયનાસોરના રીયલ દેખાતા ફોસિલ ડિસ્પ્લે રૂમ, ફાયર સેફટી સહિતની સેવાઓની સાથે હવે મ્યુઝિયમ ફેઝ-રમાં તૈયાર કરવામાં આવેલ સુવિધાઓ હવે ડાયનાસોરની સૃષ્ટિમાં અને અભ્યાસમાં રસ ધરાવતા તજજ્ઞો માટે વિશાળ તકો ઉપલબ્ધ બનાવશે. 
 
રૈયોલી-બાલાસિનોરના ફોસીલ પાર્ક-ડાયનાસોર ખાતે બે મ્યુઝિયમનું નિર્માણ થતાં વિશ્વના પ્રવાસના નકશે ગુજરાતના પ્રવાસન ધામો સાથે હવે આ મ્યુઝિયમ પણ ચમકશે અને વિશ્વના દેશોની હરોળમાં અગ્રેસર ભૂમિકા નિભાવવામાં આ મહત્વનું બની રહેશે. 
 
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામના બાવન હેકટર વિસ્તારમાં મહાકાય ડાયનાસોરની વિવિધ પ્રજાતિઓની સજીવ સૃષ્ટી અસ્તિત્વમાં હતી. તેના જીવાશ્મ (ફોસીલ) અવશેષો થીજીને પથ્થર બની ગયેલા ઇંડા અને વિવિધ સંશોધનોને વણી લઇને વિશ્વનો ત્રીજો અને ભારતનો પ્રથમ ડાયનાસોર જીવાશ્મ ઉદ્યાન બનાવીને રાજય સરકારે નાનકડા રૈયોલીને જીવાશ્મ સંશોધન નકશામાં અંકિત કર્યું છે. 
 
આજે રૈયોલી-બાલાસિનોર ડાયનાસોર પ્રજાતિઓની ઉદ્દભવથી વિલુપ્તિ સુધીના વિજ્ઞાન અને ઇતિહાસની જાણકારી આપી રહ્યું છે જેના કારણે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિકસિત આ સ્થળ આજે વિશ્વ પ્રવાસન નકશામાં સ્થાન પામ્યું છે. ગુજરાતે દેશના પ્રવાસન ક્ષેત્રને ભારતના જુરાસિક પાર્ક – રૈયોલીના ડાયનાસોર પાર્કની એક અમૂલ્ય ભેટ આપી છે. 
 
બીજી ખાસ નોંધવા જેવી બાબત એ છે કે, જિઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના મંતવ્ય પ્રમાણે ડાયનાસોર જીવાશ્મિનો એક અદ્દભુત સંગ્રહ અહીં રૈયોલીમાં છે. વિશ્વના અન્ય ભાગોમાં જે ડાયનાસોરના અવશેષો મળ્યાં છે તેની તુલનામાં રૈયોલીમાં મળેલા જુદા જુદા પ્રકારના ડાયનાસોરના અવશેષો અતિ દુલર્ભ અને સંશોધન માટે મહત્વના છે જેસાડા છ કરોડ વર્ષ જૂના આ અવશેષો હોવાનું મનાઇ રહ્યું છે. 
 
આમ, વિશાળકાય ડાયનાસોરના લગભગ ૬૫ મિલિયન વર્ષના ઇતિહાસને રજૂ કરતો ભારતનો આ સૌપ્રથમ અને અદ્યતન ખોદકામથી પ્રદર્શન સુધીની ગાથા રજૂ કરતો રૈયોલીનો માહિતીસભર ડાયનાસોર પાર્ક સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી ગુજરાતની વધુ એક અજાયબી બની રહેશે અને વૈશ્વિક પ્રવાસનના નકશા પર ચમકનારો બની રહેશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ-ઈંજીનીયર કોલેજની છોકરીઓ