Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતનાં ભાતિગળ મેળા

ગુજરાતનાં ભાતિગળ મેળા

દેવાંગ મેવાડા

કહેવાય છે કે સ્‍વાદિષ્‍ટ ખોરાક, પર્યટન અને ઉત્સવો ગુજરાતીઓના જીવનનું ખાસ અંગ છે. ગુજરાતી પ્રજા આ ત્રણ બાબતથી વિશ્વમાં પ્રસિદ્ધ છે. ગુજરાતી પ્રજા દરેક તહેવારોની ઊજવણી મન ભરીને કરે છે. પછી તે જન્‍માષ્‍ટમી હોય કે ધુળેટી, નવરાત્રી હોય કે શિવરાત્રી, રક્ષાબંધન હોય કે ઋષિપંચમી દરેક તહેવારનું ગુજરાતીઓના જીવનમાં એક વિશેષ મહત્વ છે.

આ સર્વેમાં મેળાનું સ્‍થાન સર્વોચ્ચ માનવામાં આવે છે. મેળા અને ગુજરાતી પ્રજા એકબીજાના પર્યાયી છે. અને આ કારણે જ ગુજરાતની ભૂમીને મેળા અને ઉત્સવોની ભૂમી કહેવામાં આવે છે. ગરવી ગુજરાતમાં દર વર્ષે અસંખ્ય મેળાઓનું આયોજન થાય છે.

તરણેતરનો મેળો (ત્રિનેત્રેશ્વર મહાદેવનો મેળો)

ગુજરાતના મેળામાં તરણેતરના મેળાનું આગવું સ્‍થાન છે. સૌરાષ્‍ટ્રના સુરેન્‍દ્રનગર જીલ્‍લામાં દર વર્ષે આ મેળોનું આયોજન થાય છે. આ મેળામાં સૌરાષ્‍ટ્રના ગ્રામીણ લોકો જેવાકે ભરવાડ, કાઠી, કોળી, રબારી વગેરે પોતપોતાના ભાતીગળ પોશાકમાં આવીને મેળાની શોભા વધારે છે.

પૌરાણીક કથા મુજબ દ્રૌપદીનો સ્‍વયંવર અહીં યોજાયેલો હતો. અને તેમાં અર્જુને દ્રોપદી સાથે લગ્ન કર્યા હતાં. અર્જુન-દ્રૌપદીના લગ્નની યાદમાં આ ભાતીગળ લોકમેળો યોજવામાં આવે છે. અહીં ગ્રામીણ યુવક-યુવતીઓ એક-બીજાને પસંદ કરી પોતાના વેવિશાળ કરે છે. યુવકો યુવતીને આકર્ષવા માટે રંગબેરંગી છત્રીઓ બનાવીને લાવે છે.

ભવનાથનો મેળો (શિવરાત્રીનો મેળો)

જુનાગઢમાં શિવરાત્રીએ ગીરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના મંદિરે ભવ્ય મેળો ભરાય છે. આ મેળાને નાગા બાવાઓના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. શિવરાત્રીની મધ્યરાત્રીએ શંખનાદ સાથે નાગા બાવાનું વિશાળ સરઘસ ભવનાથ મંદિરે જાય છે. અને ત્‍યાં પવિત્ર મૃગી કુંડમાં સૌ સાધુ-સંતો રાત્રીના સ્‍નાન કરે છે.

પૌરાણીક કથા મુજબ ગીરનાર પર્વતને નવનાથ અને ૮૪ સિદ્ધોનું નિવાસ સ્‍થાન કહેવામાં આવે છે. દંતકથા મુજબ ગીરનાર પર્વતપર હજારો વર્ષોથી રહેતા સાધુઓ અને નવનાથ મૃગીકુંડમાં સ્‍નાન કરવા આવે છે.

વૌઠાનો મેળો

વૌઠાનો મેળો ગુજરાતનો અનોખો મેળો છે. જેમ પુષ્‍કરમાં ઉંટનો પ્રખ્યાત મેળો ભરાય છે તેમ ગુજરાતમાં ગધેડાનો મેળો ભરાય છે. આ મેળામાં ફક્ત ગધેડાનો વેપાર થાય છે. આ મેળામાં ગધેડાના વહેપારીઓ બહોળી સંખ્યામાં આવે છે અને ગધેડાઓનું ખરીદ-વેચાણ કરે છે.

શામળાજીનો મેળો

શામળાજી ખાતે મેશ્વો નદીના કાંઠે આ મેળો ભરાય છે. આ મેળામાં આદિવાસી અને ભીલ સાથે અન્ય વિવિધ જાતીના લોકો વિશાળ સંખ્યામાં આવે છે.

આ ઉપરાંત ગુજરાતમાં અન્ય લોકમેળા ભરાય છે. જેવાકે અંબાજીમાં ભાદરવી પુનમે, સોમનાથમાં કાર્તીકી પૂર્ણીમાનો, જામનગરમાં કાલાવડનો અને ભૂચરમોરીનો મેળો, ડાંગમાં ડાંગ દરબાર, સાબરકાંઠાનો ચિત્ર-વિચિત્ર મેળો ઉપરાંત સૌરાષ્‍ટ્રમાં રાજકોટ તથા જામનગરમાં જન્માષ્‍ટમીનો મેળો પણ ખાસ મહત્વ ધરાવે છે.

Share this Story:

Follow Webdunia gujarati