ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે માત્ર 3 દિવસ બાકી છે છતાં પક્ષપલટો યથાવત છે. વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તે પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સુરત બાદ હવે કચ્છના ઉમેદવારે મેદાન છોડી દીધું છે. અબડાસાના આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાજપને સમર્થન આપવાનું એલાન કર્યું છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર વસંત ખેતાણીએ ભાજપને સમર્થન આપવાનું એલાન કર્યું છે. આ સાથે જ તેમણે એક વીડિયો પણ જાહેર કર્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, આમ આદમી પાર્ટી છોડી રહ્યો છું અને અબડાસા હિતમાં હું ભાજપમાં જોડાઈ રહ્યો છું. આ બાદ તેમનો ભાજપના હોદ્દેદારો સાથે ખેસ પહેરતો ફોટો પણ સામે આવ્યો હતો. આપના ઉમેદવાર વસંત ખેતાણીએ ભાજપ ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને સમર્થન આપ્યું છે. પહેલા વસંત ખેતાણી નાટ્યાત્મક રીતે ગાયબ થઇ ગયા હતા. જે બાદ તેમણે ભાજપનાં ઉમેદવારને સમર્થન આપતો વીડિયો જાહેર કર્યો હતો. આમ મતદાનના થોડા દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે.
ગુજરાતની 182 સભ્યોની વિધાનસભાની ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થશે. કચ્છમાં પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે. કચ્છમાં અબડાસા, ભુજ અને પાકિસ્તાનની સરહદે આવેલ રાપર ઉપરાંત માંડવી, અંજાર અને ગાંધીધામ સહિત 6 વિધાનસભા મતવિસ્તારો છે. 2017માં ભાજપે 4 બેઠકો જીતી હતી જ્યારે રાપર અને અબડાસામાં કોંગ્રેસનો વિજય થયો હતો પરંતુ અબડાસાના ધારાસભ્યએ 2020માં પાર્ટી છોડી દીધી હતી અને બાદમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતી હતી.
સુરતમાં પણ પૂર્વના આપના ઉમેદવાર કંચન જરીવાલા ફોર્મ ભર્યા બાદથી આ રીતે ગુમ થઈ ગયા હતા. જે બાદ બીજા દિવસે તેઓ અચાનક નોડલ ઓફિસર સમક્ષ આવીને પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું.