NCPમાંથી રેશમા પટેલે રાજીનામું આપ્યા બાદ આજે સવારે 10 વાગ્યે અમદાવાદના પ્રદેશ કાર્યાલય ખાતે રેશમા પટેલ રાજ્યસભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની હાજરીમાં તેઓ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરશે. રેશમા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાતા ની સાથે જ વિરમગામ ઉમેદવારને બદલી અને હવે રેશમા પટેલ વિરમગામથી ભાજપના ઉમેદવાર અને અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ સામે ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે.
એનસીપીના ગુજરાત મહિલા પ્રમુખ રેશ્મા પટેલ બરોબર ચૂંટણીની મોસમ જામતા જ હવાફેર કરી શકે છે એટલે સૂત્ર મુજબ મળતી માહિતી અનુસાર રેશમા પટેલ આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ શકે છે. મહત્વનું છે કે એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન થયા પછી રેશ્મા પટેલને ક્યાંથી લડાવવી તે પણ મોટો સવાલ બની ગયો હતો. તેવામાં અંદરખાને આમ આદમી પાર્ટીએ એનસીપીમાં ઝાડુ ફેરવ્યું હોય તેવા અંદેશા પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી વિગતો પ્રમાણે રેશમા પટેલને હાર્દિક પટેલની સામે એટલે કે વિરમગામ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે તેવા પણ સંકેત મળી રહ્યા છે. વિરમગામ બેઠક પર આપ પાર્ટીએ ઠાકોર સમાજના આગેવાન ચંદુજી ઠાકોરને ટિકિટ આપી છે. રેશમા પટેલના આવવાથી ઠાકોર સમાજમાં પણ રોષની લાગણી દુભાઈ શકે છે. રાજનીતિમાં સમય સાથે બધુ જ નક્કી છે. ત્યારે બુધવારની સવાર ગુજરાતની રાજનીતિમાં શું નવું લઈને આવે છે તે જોવું રહ્યું. હાલ તો રેશમાં પટેલના આપમાં આગમનનો મુદ્દો ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.