રાજકોટમાં ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. રાજકોટમાં સવાર સવારમાં મતદારોની લાંબી લાઇન લાગી ગઈ છે. ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા, કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ મતદાન કર્યું છે.વિધાનસભાના પ્રથમ તબક્કાના મતદાનમાં સૌરાષ્ટ-કચ્છની 53 બેઠકનો સમાવેશ થાય છે.
ગોંડલ બેઠક પર સૌરાષ્ટ્રનો સૌથી મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કારણ કે અહીં ક્ષત્રિય સમાજના જ બે જૂથ આમને સામને છે. આથી આજે આ બેઠક પર આખા રાજ્યની નજર મંડરાયેલી છે. કુતિયાણા બેઠક પર પણ મોટા રાજકીય દાવપેચ લડાવવાના હોય અહીં પણ સમગ્ર ગુજરાતની નજર રહેશે. આ ઉપરાંત જામનગર ઉત્તર બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ભાજપ તરફથી લડી રહ્યા છે ત્યારે રસાકસીનો જંગ ખેલાઇ તેવા એંધાણ છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ પણ વહેલી સવારે જ મતદાન કર્યું હતું.
ગોંડલના જયરાજસિંહ અને રીબડાના અનિરૂદ્ધસિંહે સભા અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી એકબીજાને ધમકી આપી હતી. બન્નેએ એકબીજાને ખુલી ચેલેન્જ આપી હતી. આથી ગોંડલ વિધાનસભાની ચૂંટણી લોહીયાળ બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. બન્ને બળુકા એકબીજાને જાહેરમાં તુકારા આપી પડકાર ફેંકી રહ્યા હોય આજે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા જિલ્લા પોલીસવડાને વધુમાં વધુ બંદોબસ્ત ફાળવવા આદેશ આપ્યો હતો.