કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ અચાનક ટ્વિટર પર રાહુલ ગાંધી સહિતના નેતાઓને અનફોલો કરતાં પક્ષનું રાજકારણ ફરીથી ગરમાયું છે. શંકરસિંહ વાઘેલાએ ટ્વિટર વોલ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્ર સરકારની ટીકા કરતી ટ્વિટ પણ હટાવી લીધી છે. જેના કારણે સમગ્ર મામલો દિલ્હી હાઇકમાન્ડ સુધી પહોંચ્યો છે. બાપુને મનાવવાના પ્રયાસો પણ પૂરજોશમાં થઇ રહ્યા છે.
આ ડેમેજ કંટ્રોલના પ્રયાસની સાથે સાથે શંકરસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે તેવી શકયતાનો સમૂળગો છેદ ઉડાવતાં તેમનાં અંતરંગ વર્તુળોએ જો તેમની નારાજગી દૂર નહીં થાય તો તેઓ ચૂંટણી દરમિયાન નિષ્ક્રિય થઇ જશે તેવી સંભાવના પણ વ્યકત કરી છે.કોંગ્રેસનાં ટોચનાં સૂત્રો કહે છે કે શંકરસિંહને મનાવવાના પ્રયાસો શરૂ થઇ ગયા હોઇ છેક દિલ્હી હાઇકમાન્ડે ટ્વિટર પર રાહુલ ગાંધી સહિતના નેતાઓને અનફોલો કરવાની શંકરસિંહ વાઘેલાની બાબતને ભારે ગંભીરતાથી લીધી છે. અત્યારે તો ગુજરાત કોંગ્રેસની રાજકીય પરિસ્થિતિ ભારે પ્રવાહી બની છે. આ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી તેમજ વિધાનસભામાં વિપક્ષના કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાનો મોબાઇલ ફોન પર સંપર્ક કરવાનો વારંવાર પ્રયાસ કરવા છતાં આ નેતા ફોન ઉપાડતા નથી. જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા હિમાંશુ પટેલ કહે છે કે શંકરસિંહ વાઘેલાના ટ્વિટર પરથી રાહુલ ગાંધી સહિતના નેતાઓ અનફોલો કરવા માટે તેમની ઓફિસની વ્યકિત જવાબદાર હશે તેમ લાગે છે. કોંગ્રેસમાં બધા નેતા એક જ છે અને બધા નેતા ભેગા મળીને જ ચૂંટણી લડશે. દરમિયાન શંકરસિંહ વાઘેલાનાં અંતરંગ વર્તુળો કહે છે કે, કોંગ્રેસમાં બાપુનું કદ ખાસ્સું ઊંચું છે. પ્રશાંત કિશોરના રિપોર્ટમાં પણ તેમને ચૂંટણીની જવાબદારી સોંપવાનો ઉલ્લેખ કરાયો છે. તેમ છતાં તેમની અવગણના થતી હોઇ તેઓ ચોક્કસ નારાજ થયા છે, પરંતુ તેઓ ભાજપમાં જોડાઇને પોતાની નારાજગી વ્યકત નહીં કરે.