કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે ભલે 120 બેઠકનો દાવો કર્યો હોય, પરંતુ કોંગ્રેસની હાર સ્પષ્ટ થઈ ગઈ છે. બીજી તરફ, કોંગ્રેસના ટોચના નેતાઓ અર્જુન મોડવાડિયા, શક્તિસિંહ ગોહિલ, તુષાર ચૌધરી તેમજ સિદ્ધાર્થ પટેલની આ ચૂંટણીમાં હાર થઈ છે. આ ચારેય નેતાઓ પોતાની બેઠકો નથી બચાવી શક્યા. એટલું જ નહીં, શક્તિસિંહે બેઠક બદલી હોવા છતાં તેઓ ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યા છે.પોરબંદરથી ચૂંટણી લડી રહેલા અર્જુન મોઢવાડિયાની ભાજપના સીનિયર નેતા બાબુ બોખિરિયા સામે હાર થઈ છે.
આ ઉપરાંત, માંડવી બેઠક પરથી ચૂંટણી લડી રહેલા શક્તિસિંહને પણ હારનો સામનો કરવો પડ્યો છે. શક્તિસિંહ અબડાસાના ધારાસભ્ય હતા પરંતુ તેમણે પોતાની બેઠક બદલી હતી. જોકે, બેઠક બદલવાનો પણ તેમને ફાયદો પણ તેમને નથી મળ્યો.ડભોઈથી ચૂંટણી લડી રહેલા સિદ્ધાર્થ પટેલની પણ હાર થઈ છે. આ ઉપરાંત, તુષાર ચૌધરી પણ આ ચૂંટણીમાં હાર્યા છે. એક તરફ, કોંગ્રેસમાં નવા-સવા આવેલા અલ્પેશ ઠાકોરે રાધનપુરમાં જીત મેળવી છે, ત્યારે પક્ષના દિગ્ગજો જ ચૂંટણીમાં હારી જતાં હાલ તો કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે. કોંગ્રેસને આ ચૂંટણી પર ઘણી આશાઓ હતી. પક્ષના પ્રમુખ રાહુલ ગાંધીએ પણ અત્યાર સુધી ક્યારેય ન કર્યો હોય તેવો પ્રચાર ગુજરાતની ચૂંટણી માટે કર્યો હતો. જોકે, સૌરાષ્ટ્ર સિવાય કોંગ્રેસ બીજા કોઈ ભાગમાં ખાસ કમાલ બતાવી શકી નથી.