ગુજરાત કોંગ્રેસમાં ઘણા સમયથી વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને અન્ય કોંગ્રેસી નેતાઓ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે. શંકરસિંહ વાઘેલા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રભારી અશોક ગેહલોત વચ્ચે યોજાયેલી બેઠક બાદ બાપુ નારાજ ન હોવાનાં નિવેદન બંને તરફથી આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ટૂંકા સમયગાળામાં આજે બાપુને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તેડુ મોકલતા બાપુ દિલ્હી દોડી ગયા છે. જે ફોર્મ્યુલાથી બાપુને મનાવવામાં આવ્યા છે તેનાથી બાપુ સંપૂર્ણ સહમત ન હોવાની વાત ચર્ચાઈ રહી છે. તો બાપુ અંગે કોંગ્રેસ હાઈકમાન્ડ પણ હજુ અવઢવમાં હોવાથી રાહુલ ગાંધી અને બાપુ વચ્ચે મુલાકાતનો દોર શરૂ થયો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. સાથોસાથ બાપુ અંગે આ મુલાકાતમાં રાહુલ ગાંધી નક્કર નિર્ણય લેશે તેવો દાવો પણ સૂત્રો તરફથી કરવામાં આવી રહ્યો છે.
બાપુએ પોતાની જે માંગણીઓ કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે મુકી છે, જો તે માંગણીઓ સંતોષાય તો કોંગ્રેસમાં મોટો વિવાદ ઉત્પન્ન થાય એમ છે. કારણ કે બાપુએ કરેલી માંગણીઓમાં જોઈએ તો આગામી ચૂંટણીમાં ફ્રી હેન્ડ આપવામાં આવે, મુખ્યમંત્રી પદનાં ઉમેદવાર જાહેર કરવામાં આવે, તમામ 182 ઉમેદવારો વહેલા જાહેર કરવામાં આવે, કોઈ વ્યક્તિ બાપુના નિર્ણયમાં દખલગીરી ન કરે.