સીએમ રૂપાણીની સભામાં શહિદ જવાનની પુત્રીએ હંગામો મચાવ્યા બાદ હવે પીએમ મોદીની સભામાં પણ એક શહિદની બહેને વિરોધ વ્યક્ત કર્યો હતો. મોદી રવિવારે સુરેન્દ્રનગરમાં ચૂંટણી સભા સંબોધવા પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન પાસે મદદની આશ લઈને પહોંચેલી શહીદની બહેનને પોલીસ બેઈજ્જત કરીને સભાસ્થળેથી બહાર કાઢી હતી. બનાવ બન્યો ત્યારે નરેન્દ્ર મોદી સભાસ્થળે પહોંચ્યા ન હતા. સુરેન્દ્રનગરમાં આવેલા લક્ષ્મીપુરામાં રહેતી નસીબાબાનું નરેન્દ્ર મોદીની સભામાં પહોંચી હતી. તેની માંગ હતી કે તેના શહીદ ભાઈ મુલતાની બશીર અહમદની શહીદીની સહાય પરિવારને મળે. તેનો ભાઈ જમ્મુ કાશ્મીરની સરહદે દેશ માટે શહીદી વહોરી હતી. તેની માંગ હતી કે તેના ભાઈની શહીદી બાદ સરકાર આપતી સહાય પૈકીની જમીન પરિવારને ફાળવે. પરંતુ હજુ સુધી તેની સહાય ન મળતી હોવાથી શહેરમાં જ વડાપ્રધાનની સભા હોવાથી તે ત્યાં પહોચી હતી. પરંતુ પોલીસે તેને બાવળે પકડીને બહાર કાઢી જીપમાં બેસાડી દીધી હતી.
નર્મદા જિલ્લાના વસંતપુરા ગામના બીએસએફના શહીદ જવાન અશોક તડવીના પરિવારને સરકારે જમીનની ફાળવણી કરી હતી. પરંતુ શુક્રવારે કેવડિયામાં મુખ્યમંત્રીની સભામાં શહીદની પુત્રીએ હોબાળો મચાવ્યો હતો જેને પગલે સુરક્ષાકર્મીઓ તેને ટીંગાટોળી કરીને સભામાંથી બહાર લઈ ગયા હતા. હોબાળા બાદ સરકારે ગણતરીના કલાકોમાં 200 ચોરસ મીટરની જમીન ફાળવી છે. ત્યારે સુરેન્દ્રનગરના બનાવમાં પણ એવું લાગી રહ્યું છે કે શહીદીની સહાય લેવી હોય તો મોટા ગજાના નેતાની સભામાં હોબાળો કરવો જરૂરી બન્યો છે.