ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ પાટીદાર, ઠાકોર અને દલિત સમાજનો વિરોધનો સામનો કરવો પડ્યો હોવાનું એક તારણ નીકળ્યું છે, ત્યારે નવી સરકાર માટે વિરોધપક્ષના ધારાસભ્યો બનેલા અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી સરકારને સીધી રીતે ભીડવવાની કોશિશ કરશે, જ્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલ અનામત અને અન્યાયના મુદ્દે આંદોલન તેજ કરીને ભાજપ સરકારને દબાવવા માટેનો પ્રયાસ કરશે. ઠાકોર સમાજ માટે આંદોલન કરી રહેલાં અલ્પેશ ઠાકોર કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડીને વિજેતા બન્યા છે. તેઓ ઠાકોર સમાજની નેતાગીરી કરતાં હોવાથી ઠાકોર સમાજના નાનામાં નાના પ્રશ્નો મામલે સરકાર સાથે સીધી લડાઇ કરશે અને સમાજને ન્યાય અપાવવા માટે વિધાનસભા સુધી પણ લડી લેશે. સમાજને દારૂમાંથી મુક્ત કરવા માટેની એક ઝૂંબેશ ઉપાડી હતી. ગુજરાતમાં ઊનાકાંડ બાદ દલિત નેતા તરીકે ઉભરી આવેલા જીજ્ઞેશ મેવાણીએ અપક્ષ ઉમેદવારી કરીને ચૂંટણીમાં વિજયી બની દલિત ધારાસભ્ય તરીકેની એની છાપ ઊભી કરી છે, ત્યારે જીજ્ઞેશ મેવાણીની જવાબદારી બને છે કે દલિતોના પ્રશ્નો જેવા કે, માથે મેલુ ઉપાડવાના, સફાઇ કામદારોને મળતો ઓછો પગાર, દલિતોની સુરક્ષા અને દલિતો પ્રત્યે ગુજરાતના કેટલાક ગામોમાં થઇ રહેલાં આભડછેટના મુદ્દે સરકાર સામે ઉગ્રતાથી લડવા માટેની તૈયારીઓ શરૂ કરી રહ્યાં છે. આ ઉપરાંત જીજ્ઞેશ મેવાણી પોતાના મતવિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે પણ સતત જાગૃત રહીને સરકાર સાથે બાથ ભીડશે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નામે છેલ્લા ત્રણ વર્ષથી અનામતના મામલે આંદોલન ચલાવી રહેલાં હાર્દિક પટેલે આંદોલન સમયે પાટીદારો પર સરકારની સૂચનાથી થયેલા અત્યાચાર અને અન્યાયનો મુદ્દો પણ ઉપાડ્યો છે. હાર્દિક પટેલ પણ પાટીદારોના મુદ્દે લડાઇ ચાલુ રાખશે અને અલ્પેશ ઠાકોર તથા જીજ્ઞેશ મેવાણીની જેમ સરકાર સામે લડવા માટે તે સમાજની સાથે રહેવાની કોશિશ કરશે. હાર્દિક પટેલ આગામી દિવસોમાં ગુજરાતના દરેક ગામડાઓમાં જઇને પાટીદારોની અનામત અને અન્યાયના મુદ્દે ફરી એકવાર પાટીદારોને જાગૃત કરવાના પ્રયાસો કરશે. આ આંદોલનકારી નીતિ સરકાર માટે પણ આગામી દિવસોમાં પડકારરૂપ બની રહેશે.