પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓના કારણે સરકારને ઘણું નુકસાન ભોગવવું પડે એમ છે. કારણ કે હાલ ભલે આંદોલન બાદ બધું ઠર્યું ઠામ થઈ ગયું હોય પણ અંદરખાને સરકારને પાટીદારોનો ડર સતાવી રહ્યો છે. આગામી ચૂંટણીમાં ભાજપને 150 સીટો સાથે જીતાડવાની નેમ રાખીને બેઠેલા મંત્રીઓ હવે આ મુદ્દે પોતાની તમામ તાકાત લગાડી રહ્યાં છે.
પાટીદારો પર નજર રાખવા માટે સરકારે પોલીસ અધિકારીઓનો ભારે ઉપયોગ કર્યો છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે સરકારના આદેશથી પાટીદાર નેતાઓની બારીકમાં બારીક માહિતી ઉપર સ્ટેટ ઈન્ટેલીઝન્સ બ્યુરો નજર રાખી રહ્યુ છે. પાટીદારોના સોશિયલ મીડિયાના પેજની વાત કરીએ તો પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ ઓફિસિયલ ફેસબુક પેજને 2,62,251 લોકોએ લાઇક કર્યું છે. રેશ્મા પટેલના ફેસબુક પેજને 1,08,819 લોકોએ લાઇક કર્યું છે. પાટીદાર અનામત આંદોલન નામના એક ફેસબુક પેજને પર 57119 લોકોએ લાઇક કર્યું છે. આ સિવાય પાટીદાર અનામત આંદોલનને લઇને જે સમાચારો અને અપડેટ્સ હોય તેને શેર કરવા માટે હજારો વોટ્સએપ ગૃપ બનેલા છે. રાજ્ય સરકાર પોતાના વિરોધીઓને દબાવવા માટે લાખ પ્રયત્ન કરે છે. છતાં આજે સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે. જેના પગલે પાટીદાર નેતાઓની બે હજાર કરતા વધુ ગ્રુપમાં સંદેશાઓની આપલે થાય છે. ભાજપની નેતાગીરી આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે, જેના કારણે એટીએસના આધુનિક સોફ્ટવેર દ્નારા સોશિયલ મીડિયા ઉપર નજર રાખવા માટે અઢી કરોડ ફાળવવામાં આવ્યા છે. જો કે એટીએસના અધિકારીઓનો દાવો છે કે આ માત્ર પાટીદાર નેતાઓના સોશિયલ મીડિયા ઉપર નજર રાખવા માટેનું કામ નથી, તમામ પ્રકારના સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં મેસેજ ઉપર એટીએસ નજર રાખે છે.