ભાજપે પોતાની છેલ્લી યાદી જાહેર કર્યા બાદ કોંગ્રેસે પણ આખરી યાદી જાહેર કરી દીધી છે. ઉત્તર ગુજરાતની છ બેઠકો માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કોંગ્રેસમાં જોડાઈ ગયેલા અલ્પેશ ઠાકોરનો પણ સમાવેશ થાય છે. અલ્પેશ ઠાકોરને ઠાકોર વોટબેંક જ્યાં મજબૂત મનાય છે તેવી રાધનપુરથી ટિકિટ અપાઈ છે. આ ઉપરાંત, અમદવાદની બાપુનગર બેઠક પર કોંગ્રેસે આ વખતે પણ હિંમતસિંહ પટેલને રિપિટ કર્યા છે. હિંમતસિંહ વિધાનસભા ચૂંટણી જીતી શકવા સક્ષમ ન હોવાના આક્ષેપ સાથે તેમની સામે મોડવી મંડળ સમક્ષ સ્થાનિક કાર્યકરોએ અનેક રજૂઆત કરી હતી તેમ છતાંય આ વખતે હિંમતસિંહને ટિકિટ આપવામાં આવી છે.
આ ઉપરાંત અમદવાદની અસારવા બેઠક પર કનુભાઈ વાઘેલાને ટિકિટ અપાઈ છે. ગત વખતની ચૂંટણીમાં વિરમગામથી જીતેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે, અને તેમને ટિકિટ પણ મળી ગઈ છે ત્યારે કોંગ્રેસે આ બેઠક પર લાખા ભરવાડને મેદાનમાં ઉતાર્યા છે. જોકે, પક્ષના પ્રવક્તા હિમાંશુ પટેલને આ વખતે પણ ટિકિટ ન મળતાં તેઓ બળવો કરી એનસીપી કે પછી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવે તેવી અટકળો વહેતી થઈ છે. જોકે, હિમાંશુ પટેલને સમજાવવાના પક્ષના પ્રયાસ ચાલુ છે. મહત્વનું છે કે, આજે બીજા તબક્કામાં થનારી ચૂંટણીનું ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે ટિકિટ વહેંચણી બાદ કોંગ્રેસમાં ઠેરઠેર કમઠાણ સર્જાયું છે. તે ઉપરાંત વિજાપુરની સીટ પરથી પણ કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા નરેશ રાવલનું પણ પત્તુ કપાયું છે. ત્યારે હવે કોંગ્રેસનો આ કકળાટ સત્તા છીનવી શકે તેવો સાબિત થઈ શકે છે.