વર્ષ દરમિયાન સામાન્ય રીતે દિવસ અને રાત વચ્ચે ભારે સમય તફાવત જોવા મળતો હોય છે. પરંતુ આ પૈકી કેટલાક દિવસ એવા અપવાદ સમાન હોય છે જેમાં દિવસ અને રાત બંને લગભગ સરખા હોય છે. વર્ષ દરમિયાન જોવા મળતા આવા જૂજ દિવસોમાં ૨૦ માર્ચનો સમાવેશ થાય છે. ૨૦ માર્ચે દિવસ ૧૨ કલાક-૪ મિનિટ અને રાત્રી ૧૧ કલાક-૫૬ મિનિટની રહેશે.
સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ૨૦ માર્ચે દિવસ-રાત સરખા જોવા મળશે. ૨૧ માર્ચથી દિવસ લંબાતો જશે અને ૨૧ જૂને લાંબામાં લાંબા દિવસનો અનુભવ થશે. ભારત જન વિજ્ઞાાન જાથાએ આ વિષે જણાવ્યું હતું કે 'મુંબઇ પ્રમાણે ૨૦ માર્ચે દિવસ ૧૨ કલાક-૧ મિનિટ અને રાત્રી ૧૧ કલાક-૫૯ મિનિટ રહેશે. સૂર્યોદય સવારે ૬ઃ૪૫ કલાકે અને સૂર્યાસ્ત ૬ઃ૪૭ કલાકના થશે. ૨૦ માર્ચ પછી ઉતરોતર દિવસ લાંબો થતો જશે. સરખા દિવસ માટે પાંચથી સાત મિનિટનો તફાવત રહે છે. આ દિવસ પછી સૂર્ય ઉતર તરફ ખસતો જતા ઉતર ગોળાર્ધની દિવસની લંબાઇ વધતી જાય છે અને રાત ટૂંકી થાય છે.' ૨૦ માર્ચને વસંત સંપાત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. વસંત સંપાત દિવસ પછી ગરમી શરૃ થતી હોય છે કેમકે પૃથ્વી પોતાની ધરી ૨૩.૫ને ખૂણે નમેલી હોય છે. હવે પૃથ્વીનું ઉતર તરફનું માથું સૂર્ય તરફનું માથું સૂર્ય તરફ તેટલા ખૂણે જોવા મળશે. આપણે ઉતર ગોળાર્ધમાં વસવાટ કરતા હોવાથી સૂર્યના સીધા કિરણો આપણા વિસ્તારમાં આવતા હોવાને કારણે ગરમીનું પ્રમાણ વધે છે.