Divaso- 'રાજા તારી સોડસો રોણી, પોણી ભરવા ગયતેલી રે, પોણી બોણી નો મળ્યુ ને પશુ પંખી તરસે મરતેલ રે'' દિવાસો આવતા જ આદિવાસી વિસ્તારોમા ભગવાન શ્રીકૃષ્ણને સંબોધતુ આ ફટાણુ ગુંજવા લાગે છે. દિવાસાના આગલા દિવસથી જ ઉજાણી ચાલુ થઇ જાય છે અને આ બે દિવસ દરમિયાન આદિવાસી ગામોમાં ઉત્સવનો માહોલ જોવા મળે છે. સાસરે ગયેલી દિકરીઓ માવતર આવે છે. પુર્વજોને યાદ કરાય છે. ખેતરમા નવા પાકની પુજા થાય છે અને ગામ આખુ ભેગુ થઇને ફટાણા ગાતા ગાતા દિવાસાની આગલી રાત જાગરણ કરીને દેવતાઓને રીઝવવાનો પ્રયાશ કરે છે.
આદિવાસી સંસ્કૃતિમા સંગીતનુ ખુબ મહત્વ છે. પાવો, વાંસળી, ઢોલ અને ઘાંઘરી આદિવાસી સંગીતના મુખ્ય અંગો છે. પરંપરા એવી છે કે દશેરાના દિવસથી પાવો અને વાંસળી વગાડવાનુ આદિવાસીઓ શરૃ કરે છે. આખો દિવસ ખેતરમા મજુરી કરીને અને પશુઓ ચરાવને ઘરે આવેલા આદિવાસીઓ રાત્રે વાજીંત્રો વગાડી અને પરંપરાગત ગીતો ગાઇને મનોરંજન મેળવે છે. જો કે ગીત સંગીતમા પણ એક અનોખી પરંપરા છે.
અષાઢમાં મેઘરાજાનુ આગમન થઇ ગયુ હોય છે. એટલે વાવણી પણ થઇ ગઇ હોય છે. એટલે દીવાસો આવતા સુધીમાં ખેતરમાં મકાઇ, તુવેરના પાકની કુંપણો ખેતરના પડને ચીરીને ડોકીયા કરતી હોય છે. એટલે વરસાદ સમયસર વરસતો રહે અને પાકનો ઉતારો સારો આવે તે માટે આદિવાસીઓમાં દિવાસાના દિવસે વિશેષ્ઠ અનુષ્ઠાનની પરંપરા છે. દિવાસાની આગલી રાતે ઉજાણી કરાય છે જેમાં ખેતરમા જઇને કુટુંબના દેવતા અને પુર્વજોનુ પુજન કરાય છે. અડદના વડા અને ઢેબરાનો પ્રસાદ પીરસવામા આવે છે. મરઘા, બકરાની બલી અપાય છે પછી ખેતરમા ઉગી નિકળેલા પાકનુ પણ પુજન કરાય છે. રાત્રે ગામ આખુ ભેગુ થાય છે. પરંપરા એવી છે કે લગ્ન કરીને ગયેલી ગામની દિકરી તેનો પહેલો દિવાસો ગામમા જ મા-બાપના ઘરે જ ઉજવે છે એટલે સાસરે ગયેલી ગામની દિકરીઓ આગલે દિવસે આવી ગઇ હોય છે. રાત્રે ગામ આખુ ભેગુ થાય છે. દિવાના અજવાળે ફટાણા ગવાય છે. ઢોલ ઢબુકે છે. દીવાસો ઉજવવા આવેલી દિકરીએ કુંટુંબીઓ તથા ગ્રામજનોને કોપરૃ, ગોળ, ચણાનો પ્રસાદ આપે છે. આખી રાત જાગરણ થાય છે. અને ફટાણા ગવાય કે...
કાળીયુ ખેતર સડીયુ(સાફ કર્યુ) રે,
વાડી ઝુડીને સાફ કર્યુ રે
વાવી જુવાર ને ઉગ્યો બાજરો રે.
બીજા દિવસે દિવસે દિવાસાની ઉજવણી થાય છે ઘરે ઘરે લાડુ, શીરો, દાળ-ભાત અને પુરીનુ જમણ બને છે. દેવતાઓ અને પુર્વજોને નિવેધ ધરાવવામા આવે છે. દિવાસાના આખા દિવસ દરમિયાન આદિવાસી મહિલાઓ અને પુરૃષો ફટાણા ગાય છે. મોટા ભાગના ફટાણામા અપશબ્દનો ઉપયોગ ભરપુર થતો હોય છે. ભગવાન અને દેવતાઓને પણ ફટાણામ મન ખોલીને અપશબ્દોથી પોખવામા આવે છે. જો કે આદિવાસી સંસ્કૃતિ પર સંશોધન કરનારા અને માહિતી ખાતાના અધિકારી ભાવસિંહ રાઠવા કહે છે કે આદિવાસીઓ અપશબ્દોથી દેવતાઓનુ અપમાન નથી કરતા પણ વરસાદ વગર, પાણી વગર વેઠેલ વેદનાઓને વ્યક્ત કરવાની તેઓની પોતાની આ એક રીત છે.
દિવાળીથી દીવાસા સુધી વાસળી અને પાવો વગાડવામા આવે છે અને દિવાસા પછી 'ઘાંઘરી' નામનુ વાજીંત્ર વગાડાય છે. વાસની બે પટ્ટીઓથી બનેલા આ ટચુકડા વાધ્યમા વચ્ચે પાતળા તાર હોય છે. ઘાંઘરી મોઢામા દબાવીને આંગળીથી તેના તારને ઝંકૃત કરીને વગાડવામા આવે છે.દીવાસાથી દિવાળી સુધી ઘાંઘરી જ વગાડાય છે.