Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગણેશોત્સવ વિશેષ : જાણો ગણેશજીની વિવિધ કથાઓ

ગણેશોત્સવ વિશેષ : જાણો ગણેશજીની વિવિધ કથાઓ
P.R


શ્રીગણેશ સૌ પ્રથમ પુજાય છે. બુદ્ધિમાન છે. તે વિઘ્નહર્તા છે અને માટે જ મંગલકારી પણ છે. પ્રતિસ્પર્ધાના આ યુગમાં ગણેશજીના કથાનકમાંથી યુવાનોએ શીખવા જેવું છે. ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચોથના દિવસને ગણેશ ચતુર્થી કહે છે. 9મી સપ્ટેમ્બરથી ગણેશોત્સવ શરુ થઈ ગયો છે. યુવાનો ગણેશોત્સવની ઉજવણીમાં ડૂબી ગયા છે. ગણેશોત્સવના આ માહોલમાં ગણેશ વિશે ઘણુ બધું જાણવું જોઈએ.

આવો, જાણીએ દુંદાળા દેવ ગણપતિ દાદાના ફંડા, તેમનાં કામ અને તેમના જન્મ વિશેની રોચક કથાઓ...

શિવપુરાણ, વરાહપુરાણ, લિંગપુરાણ, બ્રવૈવર્ત પુરાણમાં ગણેશના જન્મની વિવિધ ગાથાઓ છે.

શિવપુરાણ મુજબ એક વખત ભગવાન શંકર તપ કરવા ગયા ત્યારે પાર્વતીજીએ વિચાર્યું કે આવા સમયે શિવલોકમાં મારી પાસે એક બુદ્ધિમાન અને આજ્ઞાંકિત સેવક હોય તો કેવું સારું! આથી પાર્વતીજીએ પોતાના શરીરના મેલમાંથી એક બાળકનું સર્જન કર્યું, તેમાં પ્રાણ પૂર્યા, પોતાની શક્તિ આપી અને તેને ‘ગણેશ’ નામ પણ આપ્યું. ગણેશજીના સર્જન પછી એક વખત પાર્વતીજી સ્નાન કરવા ગયાં. પાર્વતીજીએ ગણેશને આજ્ઞા આપી કે, ‘હું સ્નાન કરવા જાઉં છું, આથી કોઈને ઘરમાં પ્રવેશવા ન દેતો.’ ગણેશજી આજ્ઞાંકિત પુત્રની જેમ શિવલોકના દરવાજે દ્વારપાળની જેમ ઊભા રહી ગયા.

બીજી બાજુ રાક્ષસો સામેના યુદ્ધ પર વિજય મેળવી, જીતની પહેલી ખબર પાર્વતીજીને આપવા શંકર ભગવાન શિવલોક પહોંચ્યા. દ્વારપાળ બનેલા ગણેશે શંકર ભગવાનને શિવલોકમાં પ્રવેશતા અટકાવ્યા. ક્રોધિત થયેલા શંકર ભગવાને ગણેશનું મસ્તક છેદી નાખ્યું.

ગણેશજીના વધના સમાચાર નારદજીએ પાર્વતીને આપ્યા. સમાચાર સાંભળી ક્રોધિત થયેલાં પાર્વતી શંકર પાસે આવ્યાં અને પોતાના પુત્રને જીવિત કરવાની માગ કરી. આથી પાર્વતીને મનાવવા શંકર ભગવાને કહ્યું કે ગણેશનું મસ્તક મળવું શક્ય નથી, પણ એક પ્રાણીનું મસ્તક ગણેશના ધડ સાથે લગાવી તેમને જીવિત જ‚ર કરી શકાય. શંકર ભગવાને પોતાના ગણોને પ્રાણીનું મસ્તક લેવા મોકલ્યા અને કહ્યું જે પ્રાણી ઉત્તર દિશા તરફ મોઢું રાખી સૂતું હોય તેનું મસ્તક લઈ આવો. શંકરજીના ગણોને એક હાથીનું બચ્ચું મળ્યું. શંકર ભગવાને સૂંઢ સહિત હાથીના બચ્ચાનું મસ્તક ગણેશજીના ધડ પર લગાવી દીધું અને આશીર્વાદ પણ આપ્યા કે પૃથ્વીવાસીઓ કોઈ પણ કામની શ‚આત તારા નામ અને તારી આરાધનાથી કરશે. આમ ગણેશનો પુન: જન્મ થયો.લિંગપુરાણમાં ગણેશ વિશે લખાયું છે કે, ઋષિમુનિઓએ આસુરી શક્તિઓથી કંટાળીને, તેમાંથી છુટકારો મેળવવા ભગવાન શંકરને પ્રાર્થના કરી. આથી ભગવાન આશુતોષે વિનાયક ‚પે શ્રીગણેશને પ્રગટ કર્યા અને પોતાના શરીરમાંથી બીજા અનેક ગણો પેદા કર્યા અને તે ગણોના સર્વેસર્વા ગણેશને બનાવ્યા.


વરાહપુરાણ મુજબ સ્વયં ભગવાન શંકરે પંચ તત્ત્વોને ભેગાં કરી ગણેશનું સર્જન કર્યું હતું. ભગવાન શંકર ગણેશને અત્યંત સુંદર અને આકર્ષક બનાવવા માગતા હતા, જ્યારે એક સુંદર અને આકર્ષણ ગણેશનું સર્જન થયું તો દેવતાઓમાં ગણેશના સૌદર્યને લઈ ઈર્ષા પેદા થવા લાગી. દેવતાઓને લાગતું હતું કે હવે બધી જગ્યાએ ગણેશ જ આકર્ષણનું કેન્દ્ર બનશે. આથી દેવતાઓની વાતોનો તકાજો મેળવી શંકર ભગવાને ગણેશજીનું પેટ મોટું કર્યું અને માથું ગજાનન જેવું કરી દીધું, જેથી ગણેશના સૌંદર્ય અને આકર્ષણને થોડું ઓછું કરી શકાય.

બ્રવૈવર્ત પુરાણ મુજબ પાર્વતીની તપસ્યાથી પ્રસન્ન થઈ સ્વયં શ્રીકૃષ્ણએ તેમના ગર્ભથી જન્મ લીધો. પાર્વતીએ સમગ્ર દેવલોકને નવજાત ગણેશને આશીર્વાદ આપવા નિમંત્રણ આપ્યું. શનિ દેવ ત્યાં જવામાં થોડી મુશ્કેલી અનુભવતા હતા કારણ કે શનિ દેવને તેમની પત્નીએ શાપ આપ્યો હતો કે જો તે કોઈને પણ જોઈને મુગ્ધ થઈ જશે તો તે વ્યક્તિનું મસ્તક ફાટી જશે. તેમ છતાં શનિ દેવ જ્યારે ગણેશને આશીર્વાદ આપવા પહોંચ્યા અને ગણેશ સામે મુગ્ધભાવે જોતા જ રહ્યા તેથી ગણેશ પર શાપનો પ્રભાવ પડ્યો. પછી દેવતાઓએ હાથીનું મસ્તક લગાવી ગણેશજીને પુન: જીવિત કર્યા. બાળકની આકૃતિ જોઈ પાર્વતી ખૂબ જ દુ:ખી થયાં, આથી દરેક દેવતાઓએ ગણેશને પોતાની અનન્ય શક્તિઓ આપી. ઇન્દ્રએ અંકુશ, વરુણે પાશ, બ્રહ્માએ અમરત્વ, લક્ષ્મીજીએ રિદ્ધિ-સિદ્ધિ અને સરસ્વતીએ સમસ્ત વિદ્યા આપી ગણેશને દેવોમાં સર્વોપરી બનાવ્યા.

ગણેશ-જન્મ પછી ગણેશોત્સવની શ‚રૂઆત પણ રોચક છે. તમે જાણો છો ગણેશોત્સવ આપણા સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલો છે. એક સમયે ગણેશોત્સવથી લોકોમાં આવેલી એકતાએ બ્રિટિશરોને ચિંતામાં નાખી દીધા હતા. સૌ પ્રથમ પેશવાઓએ ગણેશોત્સવને પ્રોત્સાહન આપ્યું હતું. એવું કહેવાય છે કે કસ્બા ગણપતિના નામથી પ્રસિદ્ધ ગણપતિની સ્થાપ્ના શિવાજીનાં માતા જીજાબાઈએ કરી હતી. ત્યાર પછી લોકમાન્ય બાલ ગંગાધર ટિળકે ગણેશોત્સવને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બનાવ્યો. લોકમાન્ય ટિળકના આ પ્રયાસ પહેલાં ગણેશપૂજા પરિવાર સુધી સીમિત હતી. ગણેશપૂજાને ટિળકજીએ સાર્વજનિક મહોત્સવમાં ફેરવી. ગણેશોત્સવને માત્ર ધાર્મિક કર્મકાંડ સુધી જ સીમિત ન રાખી તેને આઝાદીની લડાઈ, અસ્પૃશ્યતા અને ઊંચનીચના ભેદ દૂર કરવા અને સમાજને એકત્રિત કરવા તથા સામાન્ય વ્યક્તિનું જ્ઞાન વધારવાનું એક માધ્યમ બનાવ્યો. ટિળકજીએ 1893માં ગણેશોત્સવને સાર્વજનિક ‚પ આપ્યું. વીર સાવરકરજીએ ગણેશોત્સવ વિશે લખ્યું છે કે ગણેશોત્સવનો ઉપયોગ આઝાદીની લડાઈ માટે થઈ રહ્યો છે એવી વાત આખા મહારાષ્ટ્રમાં ફેલાઈ ગઈ હતી. પછી નાગપુર, વર્ધા, અમરાવતી વગેરે શહેરોમાં પણ ગણેશોત્સવે આઝાદીનું નવું જ આંદોલન છેડી દીધું. અંગ્રેજો પણ આનાથી ગભરાઈ ગયા.

રોલેટ સમિતિના રિપોર્ટમાં આ બાબત ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. તેમાં લખાયું હતું કે ગણેશોત્સવ દરમિયાન યુવાનોની ટોળીઓ અંગ્રેજ શાસન વિરોધી ગીતો ગાતી ગાતી શહેરમાં ફરે છે, શાળાનાં બાળકો પત્રિકાઓ વહેંચી રહ્યાં છે. આ પત્રિકામાં અંગ્રેજી શાસન વિરુદ્ધ હથિયાર ઉઠાવવાની વાત છપાતી હતી. વીર સાવરકર, લોકમાન્ય ટિળક, નેતાજી સુભાષચંદ્ર બોઝ, બરિસ્ટર જયકર, રેંગલર પરાંજપે, પંડિત મદન મોહન માલવીય, મૌલીચંદ્ર શર્મા, બરિસ્ટર ચક્રવર્તી, દાદાસાહેબ અને સરોજિની નાયડુ જેવા રાષ્ટ્રીય નેતા ગણેશોત્સવમાં ભાષણો આપતાં હતાં. આઝાદી પહેલાંથી ગણેશોત્સવનું મહત્ત્વ રહ્યું છે. વર્તમાનમાં માત્ર મહારાષ્ટ્રમાં જ 50 હજાર કરતાં પણ વધારે સાર્વજનિક ગણેશોત્સવ મંડળો છે. આ ઉપરાંત ભારતમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ગુજરાત જેવાં રાજ્યોમાં પણ ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાય છે.

એવું કહેવાય છે કે એક કાળે ગણેશોત્સવ જાપાન, ચીન, કંબોડિયા, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, મલાયા અને સુદૂર મેક્સિકોમાં પણ મનાવાતો હતો.

Share this Story:

Follow Webdunia gujarati