ભારતમાં સૌથી સારો કોઈ રીત રિવાજ હોય તો એ છે વિધિસર લગ્ન કરાવવાનો રિવાજ. જ્યારે પતિ પત્ની અગ્નિના સાત ફેરા ફરે છે તો મન એક અનોખા બંધનમાં બંધાઈ જાય છે. આ સાત ફેરા એટલે જ ....
પ્રથમ ફેરો - એકબીજાને વફાદાર રહેવાનુ વચન
બીજો ફેરો - એકબીજા પર વિશ્વાસ કરવાનુ વચન
ત્રીજો ફેરો - સુખ અને દુ:ખમાં એકબીજાને સાથ આપવાનુ વચન
ચોથો ફેરો - ઘરની જવાબદારીમાં બરાબરીનો ફાળો આપવાનુ વચન
પાંચમો ફેરો - બાળકોના વિકાસમાં બંનેની બરાબરીની જવાબદારી
છઠ્ઠો ફેરો - એકબીજાનો સાથ નિભાવવાનુ વચન
સાતમો ફેરો - એકબીજાના મિત્રો બનીને રહેવાનુ વચન
તમને એવુ લાગતુ હશે કે પતિ-પત્ની પ્રેમી હોઈ શકે, પણ મિત્રો કેવી રીતે હોઈ શકે. કારણ કે ઘણા લોકોનુ એવુ તર્ક રહે છે કે જે વાત એક મિત્ર સમજી શકે તે પતિ ન સમજી શકે. પરંતુ આ વાતમાં કોઈ તથ્ય નથી. જો તમે એકબીજાને ખૂબ પ્રેમ કરો છો, એકબીજા પર વિશ્વાસ કરો છો તો પછી તમે એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ છો જ.
મારું તો કહેવુ છે કે તમારે સફળ લગ્ન જીવન જીવવુ હોય તો જરૂરી છે કે તમે તમારા જીવનસાથીને મિત્ર બનાવો. જેની સાથે જીંદગી વિતાવવાની હોય જો એ આપણો મિત્ર બની જાય તો જીવન વધુ સરળ અને સુંદર બની જાય છે. જીંદગીની બધી મુશ્કેલીઓ હળવી લાગે છે. જીવનમાં કોઈ મુશ્કેલી આવે તો મન કહે છે - કોઈ વાંધો નહી મારો જીવનસાથી મારી સાથે છે જ ને.
આજે ઘણા કપલ્સ એવા જોવા મળે છે જે પહેલા મિત્રો હતા પણ હવે પતિ-પત્ની છે. જે જીવનસાથી તમે કશુ કહો તે પહેલા જ તમારી વાત સમજી જાય, તમારી દરેક જરૂરિયાતને અનુભવી શકે, ચહેરો જોઈને સમજી જાય કે તમે ખુશ છો કે દુ:ખી છો. એનાથી વધુ સારો મિત્ર તમને મળી શકે ખરો ?
જે જીવનસાથી સાથે આપણે જીંદગી વિતાવવાની છે તેને માત્ર એક સમાજમાં ઓળખ બતાવનારુ પાત્ર સમજીને રહેવાથી લગ્ન એક બોજ લાગે છે. તમે કોઈ પણ મિત્ર બનાવો તો દરેક સમય એવો નથી હોતો કે તમે તેને મળી શકો, અને દરેક વાત પણ એવી નથી હોતી કે બેજીજક કહી શકો. જીવનસાથી એક એવો મિત્ર છે જેની સાથે તમે બધી વાતો શેર કરી શકો છો અને તમારી વાતો પણ ગોપનીય રહે છે.
ઘણા એક્સપર્ટ કહે છે કે આજે દુનિયામાં 70 ટકાથી વધુ પતિ-પત્ની સારા મિત્રો પણ છે. મિત્રતાનો મતલબ માત્ર એકબીજાને મદદ કરવી એટલો જ નહી પરંતુ દરેક વાતે પોતાના સાથીનો સપોર્ટ કરવો પણ છે. જેની સાથે રહીએ છીએ તેને સમજવામાં પણ સરળતા રહે છે અને તેથી તે તમારો બેસ્ટ ફ્રેંડ પણ બની જાય છે.